June 16, 2024

Kyrgyzstanમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની સલામતી માટે CM Bhupendra Patel એક્શનમાં

ગાંધીનગર: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

ભારતના 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા
મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.

આપ પણ વાંચો: ધકધકતા તાપને લઈને હવામાન વિભાગની આગાહી, અમદાવાદીઓ ચેતી જજો

હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે. એટલું જ નહીં, કિર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

આપ પણ વાંચો: Kyrgyzstanમાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, Suratના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત
ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે. રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું છે.