May 18, 2024

સુરત: VNSGUના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય લેવાયા

અમિત રૂપાપરા, સુરત: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. તેમાંથી પ્રથમ યુનિવર્સિટીના નાણા બચાવવા માટે વેરા, લાઈટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે. જેથી મહાનગરપાલિકાની યોજનાનો લાભ મળી શકે. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલી ઉત્તરવહીનું બંડલ બે વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાણા બચાવવા માટે મિલકત વેરા બીલ, લાઈટ બિલ, વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરીને ચુકવણી કરવામાં આવશે. જેથી કરીને સુરત મહાનગરપાલિકાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાણા બચાવી શકાય.

આ પણ વાંચો: વલસાડમાં નકલી પોલીસ બની 2.55 લાખની લૂંટ, બેની ધરપકડ

આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તરવહી અને પડતર પ્રશ્નપત્રના નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એમ.એસ ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો, પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું. ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તરવહીના નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી જેના કારણે અગાઉ એજન્સીને એક વખત નોટિસ આપવામાં આવી હતી. તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાંહેધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે, પરંતુ ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં વપરાયેલી ઉત્તરવહીનું એક બંડલ બે મહિના પહેલા મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજી વખત પણ વપરાયેલી ઉત્તરવહીનું એક બંડલ રસ્તા પરથી મળી આવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટે ઠરાવ કરીને અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો, માર્ચમાં 74,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા

બીજી બાજુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. મહત્વની વાત છે કે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એફિડેવિટ સાથે અરજી કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીએ અન્ય યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલા જ આ અરજી કરવાની રહેશે.