May 17, 2024

સુરત લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી 11 દિવસથી સંપર્કવિહોણા, ઘર બહાર પોલીસ પહેરો

અમિત રુપાપરા, સુરતઃ લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી એક વખત ચર્ચાનું કારણ બન્યા છે. કારણ કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદથી તેઓ લોકોના સંપર્કથી દૂર છે. આ ઉપરાંત પાર્ટીના સંપર્કમાં પણ નથી અને કોંગ્રેસ દ્વારા તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે 1 મેના રોજ રાત્રે નિલેશ કુંભાણી દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે, તેઓ મીડિયા સમક્ષ આવીને મોટા ખુલાસા કરશે અને આ મેસેજ વાયરલ કર્યા બાદ ગણતરીના સમયમાં જ બીજો મેસેજ આપવામાં આવ્યો હતો કે, તેઓ હવે નાદુરસ્ત તબિયતના કારણે મીડિયા સમક્ષ આવશે નહીં. નિલેશ કુંભાણીનો મેસેજ કોંગ્રેસના કાર્યકર્તા સુધી પહોંચ્યો હોવાને લઈ ઉગ્ર વિરોધની આશંકાએ તેમને બીજો મેસેજ મૂકવો પડ્યો તે ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ તેમના ઘર બહાર હવે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી જો કોઈ વિરોધ કરવા આવે તો પરિવારને કોઈ નુકસાન ન પહોંચે.

સુરત લોકસભા બેઠક ચર્ચાનું કારણ બની છે. સમગ્ર દેશમાં આ બેઠકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બેઠક ચર્ચામાં આવવાનું મુખ્ય કારણ સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે. હાઈવોલ્ટેજ ડ્રામા કરીને તેમણે ઉમેદવારી ફોર્મ રદ કરાવ્યું હતું. ત્યારબાદ ટેકેદારો સાથે ગાયબ થયા હતા. 11 દિવસથી નિલેશ કુંભાણી સંપર્કવિહોણા છે. અમદાવાદ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા જવું છે તેવું કહીને તેઓ સુરતથી રવાના થયા હતા અને ત્યારબાદ તેઓ સંપર્કવિહોણા બન્યા છે.

તો બીજી તરફ, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી પોલીસનો બંદોબસ્ત નિલેશ કુંભાણીના ઘરે ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે કે નિલેશ કુંભાણીના પરિવારના સભ્યોની સુરક્ષાને લઈને પોલીસ સતત દેખરેખ રાખી રહી છે. ત્યારે 1 મેના રોજ રાત્રે નિલેશ કુંભાણી દ્વારા એક મેસેજ મીડિયાને આપવામાં આવ્યો હતો કે, તેઓ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા એક ખાનગી ફાર્મમાં 2 મેના રોજ સવારે મીડિયા સામે આવશે અને મોટા ખુલાસા કરશે.

જો કે, આ મેસેજ આપ્યાના ગણતરીના સમયમાં જ એક બીજો મેસેજ નિલેશ કુંભાણીએ મીડિયાને આપ્યો હતો કે, તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેઓ હવે મીડિયા સામે આવી શકશે નહીં. આ મેસેજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સુધી પહોંચી જતા નિલેશ કુંભાણીએ તબિયત ખરાબ થવાનું બહાનું કાઢવું પડ્યું હોય તેવી પણ એક જ ચર્ચાઓ ચાલી રહી છે. આ ઉપરાંત તેમના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ ન કરે અને વિરોધ કરવા આવે તો પરિવારની સુરક્ષાને લઈને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મહત્વની વાત છે કે, મીડિયા દ્વારા જ્યારે નિલેશ કુંભાણીના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આજે પણ નિલેશ કુંભાણીના પરિવારના સભ્યોએ મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો હતો અને પોતાના ઘરના દરવાજો બંધ કરી દીધો હતો. અગાઉ જ્યારે નિલેશ કુંભાણીના પત્ની દ્વારા મીડિયા અને પ્રતિક્રિયા આપવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, નિલેશ કુંભાણીને થોડો વિચારવાનો સમય આપો અને તેમની સાથે જે ઘટના બની છે અને સગા સંબંધીઓના પણ ફોન આવી રહ્યા છે કે, તેમના ટેકેદારો પણ નથી મળી રહ્યા. ત્યારે આ પરિસ્થિતિમાં નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને શું કહે.’

પત્નીની પ્રતિક્રિયા બાદ નિલેશ કુંભાણી દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક ખુલાસા કરવામાં આવ્યા હતા. સ્પષ્ટ રીતે તેમને કોંગ્રેસના નેતાઓ પર સમગ્ર ઘટનાનો દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમના પ્રચારમાં કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ ન આવતા હોવાનો ઉલ્લેખ થયો હતો. આ ઉપરાંત તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓ તેમને ટિકિટ મળતા નાખુશ હોવાની વાત પણ તેમને જણાવી હતી. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે, નિલેશ કુંભાણી જો મીડિયા સમક્ષ આવવાના હતા અને મોટા ખુલાસા કરવાના હતા.