May 18, 2024

જૂનાગઢ ગિરનાર કમલમ ભાજપ કાર્યાલય ખાતે CM ભુપેન્દ્ર પટેલે કરી બેઠક

જૂનાગઢ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાત લીધી હતી. જૂનાગઢના ગિરનાર કમલમ ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીને લઈને મહાનગર અને જીલ્લાની બૃહદ સંગઠનની બેઠક મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને આંતરીક મતભેદો દૂર કરી પાર્ટી માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. જોકે, બેઠકમાં પૂર્વ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી પણ જોવા મળી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ તુરંત જૂનાગઢ ખાતે બેઠક યોજાતાં અટકળો તેજ બની હતી. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા, અરવિંદ લાડાણી, ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા સહીતના નેતાઓ તો ઉપસ્થિત હતા, પરંતુ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ અને જવાહર ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી, બે દિવસ પહેલા પણ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યક્રમમાં આ બંને નેતાની ગેરહાજરી જોવા મળી હતી, ભાજપમાં ભરતી મેળાથી બંને નેતાની નારાજગી હોવાની પણ એક ચર્ચાએ જોર પકડ્યું હતું.

સંબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં ઉમેદવારને લઈને કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે જુદુ જુદુ શું આવે છે બધાને… ઉમેદવાર તો એક જ હોય, સામે બેઠેલામાંથી ગમે તેમાંથી ઉમેદવાર જાહેર કરે એ કાંઈ પાછો થોડો પડે એવો છે. સાથે મુખ્યમંત્રીએ આંતરીક અસંતોષને ભૂલીને કામે લાગી જવા સૂચના આપી હતી. જંગી લીડથી રાજેશ ચુડાસમાને જીતાડવા અપીલ કરી અને આંતરીક મતભેદો દૂર કરી પાર્ટી માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.