May 18, 2024

રૂપાલાના સપોર્ટમાં આવ્યા મનસુખ સુવાગીયા, કહ્યું- પહેલા દેશ પછી જ્ઞાતિ

પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વચ્ચે સામાજીક આગેવાનો એક્ટિવ થઇ ગયા છે.

રાજકોટ: લોક સભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજકારણ ગરમાયેલું છે. આ મામલે ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલા દ્વારા માફી માંગી લીધી હોવા છતા તેમની લોકસભા ટિકિટ રદ્દ કરવા ભાજપ સામે માંગ કરી છે. આ દરમિયાન ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ પરશોત્તમ રૂપાલા સામે આક્રોષમાં છે. પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વચ્ચે સામાજીક આગેવાનો એક્ટિવ થઇ ગયા છે.

મનસુખ સુવાગીયા પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં
જલક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખ સુવાગીયા પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં આવ્યા છે. મનસુખ સુવાગીયાએ પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પરશોત્તમ રૂપાલાએ કૃષિ ક્ષેત્રે ખુબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે અંતરમનથી માફી માંગી છે માટે ક્ષત્રિય સમાજે તેમને મોટું મન રાખીને માફ કરી દેવા જોઇએ. પરશોત્તમ રૂપાલાને અમે 20 વર્ષથી જાણીએ છીએ. તેઓ રાજકોટમાં આવ્યા છે કારણ કે તેઓ વફાદાર, કર્મયોગી અને બુદ્ધિજીવી છે તેઓ સનાતન ધર્મ માટે સતત કામ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, હાલમાં જે લોકો પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે તેઓ પરોક્ષ રીતે મોદી સાહેબનો અને ભાજપ પક્ષનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધથી સામાજીક એક્તાને ડોળવામાં આવી રહી છે જે કલંકિત છે. પહેલા સંસ્કૃતિ અને દેશ છે જ્ઞાતિ તેના પછી છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે અને આ પત્રમાં તેમણે દેશના મજબૂત નેતાને રાજકોટના ઉમેદવાર બનાવવા બદલ પીએઅ મોદીનો આભાર માન્યો છે.

આ પણ વાંચો: ગુજરાતનાં એક ગામડાંની સરોગેટ મધરની વાર્તા, મોટા પડદા પર આવશે ‘દુકાન’

ક્ષત્રિય મહિલાઓ પણ આ મામલે મેદાને
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રાણીયોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી છે અને સતત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, હવે આ વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચી ગયો છે. ત્યાંના રાજપૂત સમાજમાં પણ રૂપાલાના નિવેદન બાદ વિરોધ જોવા મળ્યો છે.

રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી
ક્ષત્રિય સમાજે રાજકોટના ઇલેક્શન કમિશન સામે વિવાદાસ્પદ નિવેદન અંગે ફરિયાદ કરી હતી. સમાજના અપમાન મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ કલેક્ટરે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કલેક્ટરે ચૂંટણી અધિકારી સાથે મળીને તપાસ ચાલુ કરી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ આપવામાં આવી છે. ગઈકાલે રાજકોટના કલેક્ટરે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં રિલેજન્યનો ભંગ ન થયો હોવાનું જણાવીને ક્લિનચીટ આપી છે.