May 20, 2024

‘પાકિસ્તાન સાથે શું સંબંધ છે’, રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. અમેઠીમાં ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસે અહીંથી ગાંધી પરિવારના નજીકના કેએલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની ફરી જીતની આશા સેવી રહ્યા છે. એક રેલીમાં સ્મૃતિ ઈરાનીએ તેમના સમર્થનમાં પાકિસ્તાની નેતાની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ જોરથી તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું, “અત્યાર સુધી હું કોંગ્રેસના ઉમેદવારો સામે ચૂંટણી લડતી હતી, પરંતુ હવે પાકિસ્તાનના એક નેતાએ કહ્યું છે કે સ્મૃતિ ઈરાનીને હરાવી જોઈએ.”

તેમણે કહ્યું, “મેં વિચાર્યું કે ‘તમે પાકિસ્તાનને સંભાળી શકતા નથી. તમે અમેઠીની ચિંતા કરો છો?’ જો મારો અવાજ પાકિસ્તાની નેતા સુધી પહોંચે છે. તો હું કહેવા માંગુ છું કે તે અમેઠી છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકે 203 રાઇફલની ફેક્ટરી બનાવી છે જે સરહદ પર પાકિસ્તાની આતંકવાદીઓને મારવા માટે વપરાય છે.” આ પછી તેમણે કહ્યું, “આજે હું પૂછવા માંગુ છું કે, ‘પાકિસ્તાન અને રાહુલ ગાંધી વચ્ચે આ શું સંબંધ છે? દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે. પરંતુ તમને (રાહુલ ગાંધી) તેમનું સમર્થન મળી રહ્યું છે અને તેની નિંદા કરી નથી.’+

આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડશે વરસાદ

ગયા અઠવાડિયે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. ત્યારથી રાહુલ ગાંધી આ મુદ્દે બીજેપીના નિશાના પર છે. પીએમ મોદી સહિત મોટાભાગના નેતાઓએ તેમના “પાકિસ્તાન કનેક્શન” પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગયા અઠવાડિયે પીએમ મોદીએ કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે “ભાગીદારી”નો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તે હવે “સંપૂર્ણપણે ખુલ્લું” થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે, “તમને ખબર પડી જ હશે કે પાકિસ્તાનનો એક નેતા કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યો છે. પાકિસ્તાન રાજકુમાર (રાહુલ ગાંધી)ને વડાપ્રધાન બનાવવા માટે અધીર છે અને આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ પાકિસ્તાનની અનુયાયી છે. “

વાયનાડથી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધીને ગયા અઠવાડિયે રાયબરેલીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભામાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. જ્યારે રાહુલ ગાંધી અમેઠી ફરીથી જીતવા માટે પ્રયાસ કરશે તેવી અપેક્ષા હતી. જ્યાંથી તેઓ ત્રણ વખત જીત્યા છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ રાહુલ ગાંધીના અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણયને વ્યૂહાત્મક ચાલ ગણાવ્યો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભાગવું જોઈએ નહીં. પરંતુ ઊભા રહીને લડવું જોઈએ.