મુર્શિદાબાદમાં હિંસક ટોળાએ પિતા-પુત્રની હત્યા કરી, વિસ્તારમાં કલમ 163 લાગુ, ઇન્ટરનેટ બંધ

Murshidabad violent protests: શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પણ વકફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આજે મુર્શિદાબાદમાં બે લોકોના મોત થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શમશેરગંજ વિસ્તારના જાફરાબાદ વિસ્તારમાં હિંસક ટોળાએ પિતા-પુત્રની હત્યા કરી હતી. આ ઘટના આજે બપોરે બની હતી, જ્યારે એક ટોળાએ એક ગામ પર હુમલો કર્યો હતો. અગાઉ, 11 એપ્રિલના રોજ મુર્શિદાબાદમાં શુક્રવારની નમાજ પછી હિંસા ફાટી નીકળી હતી. મુર્શિદાબાદમાં હિંસા બાદ કલમ 163 લાગુ અને ઈન્ટરનેટ બંધ છે. પોલીસ-બીએસએફ દ્વારા ભારે સુરક્ષા બંદોબસ્ત છે. પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સને નિશાન બનાવ્યા. બીજી બાજુ, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગણી સાથે કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

અગાઉ હિંસા ફાટી નીકળી હતી
શુક્રવારના મુર્શિદાબાદમાં થયેલી હિંસાના ડાઘ હજુ ગયા નથી, તે પહેલાં આજે ફરી હિંસા ફાટી નીકળી. આ હિંસામાં પિતા અને પુત્રની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, શુક્રવારે મુર્શિદાબાદના સૂતીમાં હિંસા શરૂ થઈ હતી. શુક્રવારની નમાજ પછી હજારો લોકો વક્ફ કાયદા વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા અને NH-34ને બ્લોક કરી દીધો હતો. જ્યારે પોલીસે નેશનલ હાઈવે પરથી નાકાબંધી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.

વાહનોમાં તોડફોડ અને ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.
ઉશ્કેરાયેલા ટોળાએ ધુલિયા સ્ટેશન પાસે રેલવે ફાટક અને રિલે રૂમને નિશાન બનાવ્યું હતું. ભારે પથ્થરમારો થયો. તોડફોડ થઈ હતી. ઘરને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સમય દરમિયાન, રેલ્વે સ્ટાફે પોતાનો જીવ બચાવ્યો અને ત્યાંથી બહાર નીકળી ગયા. બાદમાં, મોટી સંખ્યામાં પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો અહીં પહોંચ્યા અને પરિસ્થિતિને કાબુમાં લીધી. હાલમાં આ વિસ્તારોમાં કેન્દ્રીય દળો અને પશ્ચિમ બંગાળ પોલીસ તૈનાત છે.