સુરતના અનભ જેમ્સના 118 રત્નકલાકારોની તબિયત સુધારા પર, ઝેરની અસર થતા સારવાર માટે ખસેડ્યા હતા

સુરતઃ શહેરની અનભ જેમ્સમાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર બાદ 118 રત્નકલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કિરણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 રત્નકલાકારને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ તમામ રત્નકલાકારોની તબિયત સુધારા પર છે.

ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રત્નકલાકારોની તબિયત પણ સુધારા પર છે. તમામ રત્ન કલાકારોને હાલ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે પણ આ કૃત્ય કરનારને પકડવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?
સુરતના કાપોદ્રા વિસ્તારમાં બિલ્ડિંગમાં અનભ જેમ્સમાં 118 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાના કારણે તેમને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કારખાનામાં કોઈ અસામાજિક તત્વ દ્વારા સેલફોસ નામની ઝેરી દવા પાણીના વોટર કુલરમાં નાખી દેવામાં આવી હતી અને રત્ન કલાકારો દ્વારા આ પાણી પીવામાં આવ્યું હતું. હાલ તો આ રત્ન કલાકારોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.