સાબરકાંઠામાં આદિવાસીઓ પરંપરાગત રીતે નાચ-ગાન સાથે ઉજવે છે હોળી, 10 દિવસ ચાલે છે ઉજવણી

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લામાં આદિવાસી ઢોલના તાલે ઝૂમતા આદિવાસી ફાગણ મહોત્સવ એટલે હોળીનો તહેવાર. સાબરકાંઠાનો વિસ્તાર આદિવાસી પરંપરા કે જ્યાં 10 દિવસ સુધી નગારા, ઢોલ, લિઝમ સાથે રાત દિવસ લોકો આદિવાસી પરંપરામાં જ્યાં કીકીયારીઓ અને ગીતો સાથે આજે પણ સમાજ લોકનૃત્ય સહિત ઢોલ નગારા સાથે હોળી ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરે છે.
સાબરકાંઠામાં આદિવાસી સંસ્કૃતિમાં ફાગણ મહિનો મહત્વનો હોય છે. જેમાં આ લોકો 2 કે 3 દિવસ નહીં પણ 10 દિવસ રાત સુધી આદિવાસી પરંપરાગત ઢોલ નગારા સાથે સ્થાનિક આદિવાસી ભાષામાં ગીતો ગાતા અને કીકયારીઓ કરે છે. આ સાથે નાચગાન સાથે આદિવાસી વિસ્તાર ગુંજી ઉઠતો હોય છે. અરવલલ્લીની ગિરિમાળામાં ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરની આજુબાજુ રાજસ્થાનની સરહદ નજીકનો વિસ્તાર, કે જ્યાં આદિવાસીઓનો વસવાટ મોટા પ્રમાણ છે. હોળીનો તહેવાર આદીવાસી સમાજ માટે 10 દિવસ ચાલતો હોય છે. જેમાં લોકો મન મૂકીને નાચગાન કરતા હોય છે. આ હોળી જે ફાગણિયાના ગીતો ગાતા હોય છે. અહીં આજુબાજુમાંની ગિરિકંદરામાં કેસૂડો ખીલી ઉઠતો હોય છે. જ્યારે હોળી આવે ત્યારે કેસૂડાથી ક્ષત્રિયો કેસરિયા કરી ફાગણના ફાગ ખેલતા હોય છે. ત્યારે આદીવાસી સમાજ આ કેસૂડાનાં ફુલથી કલર બનાવી હોળી મનાવતા હોય છે.
આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ આદિવાસી સમાજનો પરિવાર કામકાજ કે મજૂરી અર્થે શહેરી વિસ્તારમાં હોય છે. ત્યારે હોળીના દસ દિવસ અગાઉ જે પરિવાર છે, તે માદરે વતન પરત આવતો હોય છે. આજના આધુનિક યુગમાં ડીજે સહિતના ઇલેક્ટ્રીક યુગને સાઈડમાં રાખી ઢોલ નગારા અને લિઝમ સાથે આદિવાસી સમાજ હોળી ધુળેટીની અનોખી ઉજવણી કરે છે.
સમાજમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે આદિવાસી સમાજમાં આજની પેઢી કટીબદ્ધ છે. આ સાથે આજે પણ આદિવાસી સમાજ હોળીના દિવસે રાત્રિના સમયે હોલિકા દહન કરે છે. તેમજ ધુળેટીના દિવસે સવારના સમયે સમગ્ર ગામ એકઠું થઈને હોળીની પ્રદક્ષિણા કરે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી સમાજ પરિવાર-કૌટુંબિકજનો સાથે સમગ્ર ગામ એકઠું થઈને ઠંડી હોળીના પ્રદક્ષિણા કરી ઢોલ નગારા સહિત લિઝમ સાથે નાચગાન કરી હોળી ધુળેટીની ઉજવણી કરે છે.
એક તરફ આજના આધુનિક યુગમાં લોકો સમય તેમજ નોકરી-ધંધા તરફ પ્રેરિત થયા છે. સમયના અભાવ વચ્ચે આદિવાસી સમાજ ધંધા-રોજગાર છોડીને હોળી ધુળેટીના પર્વને લઈને માદરે વતન પહોંચતો હોય છે. 10 દિવસ સુધી ચાલતા હોળી-ધુળેટીના પર્વને લઈને સમાજમાં આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરાને યુવાનો તેમજ સ્થાનિકો જાળવી રહ્યાં છે. આ સાથે હોળી-ધુળેટીમાં આદિવાસી સમાજમાં બાળકના જન્મને લઈ ઉજવવામાં આવતી ઢૂંઢની પણ અનેરી પરંપરા રહેલી છે. કોઈપણ વ્યક્તિના ઘરે પુત્રનો જન્મ થયો હોય તો તેની પ્રથમ હોળીની ઢૂંઢ મનાવવામાં આવતી હોય છે. ત્યારે ઢૂંઢની પરંપરા મુજબ કુટુંબ સહિત સમગ્ર ગામ એકઠું થઈને ઢોલ નગારા લીઝમ સાથે આદિવાસી નૃત્યમાં રંગાતો હોય છે.