રાજકોટમાં પ્રિમોન્સૂન પ્લાનિંગનું આયોજન, જાણો કેવી રહેશે કામગીરી

ઋષિ દવે, રાજકોટઃ ઉનાળામાં માવઠાની મોસમ ચાલી રહી છે અને હવે ચોમાસું શરૂ થવામાં છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનના આયોજન અંગે બેઠક થઈ છે. કાગળ પર તો કોર્પોરેશન દ્વારા મોટું તીર મારી દેવામાં આવ્યું છે. તમામ તૈયારીઓ દર્શાવાઈ છે અને બેઠકો થઈ છે. પરંતુ હકીકત તો કંઈક અલગ જ સામે આવે છે.

ભારે વરસાદ વાવાઝોડાના સમયે અધિકારીઓએ સંકલનથી કામ કરી કુદરતી આપત્તિની ઓછામાં ઓછી અસર અનુભવાય તે રીતે કામ કરવાના આગોતરા આયોજન અંગે પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠકો કરતા હોય છે. વર્ષાઋતુ અગાઉ કરવાની કામગીરી જેમ કે, બચાવ અને રાહત કામગીરી, અનાજ અને પુરવઠાની જાળવણી, વીજળી, આરોગ્ય, શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ જરૂરી ટીમ-સ્ટાફ, સાધનો, ભારે વરસાદની સ્થિતિમાં લેવાના તકેદારીના પગલાં, સ્થાનિક તરવૈયાઓની યાદી, વિવિધ બિન સરકારી સંસ્થાઓની યાદી, વોંકળા- નદીપટની સફાઈ, પશુઓને ઘાસચારો તેમજ આપત્તિના સમયે જરૂરી સંસાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે આ બેઠકમાં ચર્ચા થતી હોય છે. આ વર્ષે પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ચર્ચા વચ્ચે થઈ છે. શહેરના પોપટપરા વિસ્તાર, લલુડી વોંકળી વિસ્તાર, રૈયા ગામ, રૈયા રોડ વિસ્તાર, રામનાથ પરા વિસ્તારમાં પાણી ભરાયેલા રહે છે. આ તંત્ર માટે માથાનો દુઃખાવો બની રહે છે, જેનું સોલ્યુસન આજદિન સુધી એક પણ પદાધિકારીઓ કે અધિકારિયો કરી નથી શક્યા.

ચોમાસાની શરુઆત થોડી વહેલી થઈ ચૂકી છે. એમાં પણ રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાંખવાની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તા ખોદાયેલા છે. જેમાં હજુ પણ ફરીથી ડામર રોડ કરાયો નથી. RMCના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, વરસાદી વાતાવરણમાં ડામર રોડ શક્ય નથી. એનો અર્થ એ છે કે, ફરજીયાત લોકોને આ ચોમાસામાં જાહેર માર્ગો પર સાંભળી ને જ ચાલવું પડશે અને પાણી ભરાવાની સમસ્યા તો રહેશે જ માટે પ્રિ મોનસૂન તૈયારીઓના દાવાઓ પોકળ જ સાબિત થવાના છે.

વિકટ પરિસ્થિતિમાં સાવચેતી અંગેના સંદેશા પહોંચાડવા, કોઝવે પર સાઈન માર્ક કરવા, નીચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાઓની યાદી તૈયાર કરવી, પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીના તૂટેલા તાર-જોખમી ઝૂકેલા વીજ પોલ નિકાલની કામગીરી, ડેમ કેનાલની ચકાસણી, આવશ્યક મટીરીયલ, રસ્તા બંધ થતાં વૃક્ષો હટાવવા-કાપવાના સાધનો, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલો ખાતે સાધનો-દવાઓ, કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, માનવબળ વગેરે ચર્ચા કરવામાં આવતી હોય છે.

આ સાથે જ તાલીમી માનવબળ અને રેસ્ક્યૂના સાધનો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી હતી. આપદા મિત્રને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનાવવા, વરસાદ માપક યંત્ર વર્કિંગ કન્ડિશનમાં રાખવા, અધિકારીઓએ ગાડીમાં ટોર્ચ, દોરડા, લાઇફ જેકેટ જેવા સાધનો હાથવગા રાખવા સહિત જરૂરી સુચના લોકોને આપવામાં આવતી હોય છે. પરંતુ મિટીંગ પૂર્ણ કર્યા બાદ 60% જેટલું કાર્ય પણ કરવામાં આવતું નથી. જેનો ભોગ રાજકોટની જનતા બને છે. પ્રિમોન્સૂન કામગીરીના નાટક કરતા સત્તાધીશોને વિપક્ષે આડે હાથ લીધા હતા અને જનતા માટે સચોટ કાર્ય કરવા અનુરોધ પણ કર્યો હતો.