જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની નબળી કામગીરી, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે અને હવે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, તાજેતરમાં જ મનપામાં ચૂંટાયેલા વોર્ડ નં. 7ના ભાજપના કોર્પોરેટર જયેશભાઈ બોઘરાને બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા અને તેમણે પોતાની ફરજના ભાગરૂપે જ્યારે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના કામનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમાં નબળી કામગીરી સામે આવી હતી.
વોર્ડ નં. 7ના ભાજપના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોધરાએ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનના કામનું નિરિક્ષણ કર્યું અને તેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, દિવાલ પર લગાવેલી ટાઈલ્સ હાથ લગાવતા જ નીકળી જતી હતી આ અંગે જયેશભાઈએ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ કરતાં સ્થાનિક રાજકારણમાં અને મનપામાં હડકંપ મચી ગયો છે. આ સાથે જયેશભાઈએ માંગ કરી છે કે નરસિંહ મહેતા સરોવરની જે કામગીરી કરવામાં આવી રહી છે તે ગુણવત્તા યૂક્ત કામગીરી થાય અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશનનો પ્લાન…
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ માટે જૂનાગઢ મહાનગરપાલિકાએ લેક ડેવલપમેન્ટ માટેનો જે માસ્ટર પ્લાન રજુ કર્યો હતો તે મુજબ તળાવને ફરતે રીંગરોડ, એમ્બેસમેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ, વોક વે, એમ્નીટીઝ બ્લોક, પાર્કિંગ, પ્રવેશદ્વાર, બોટિંગ ડોક, ઘાટ, ગાર્ડન, ટ્રી-પ્લાન્ટેશન, લાઇટ પોલ, પક્ષીઓના આકર્ષણ અર્થે આઇલેન્ડ જેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસનો આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આજુબાજુની અંદાજીત 30 હજારની વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારને ફાયદો થશે, તળાવનું ડેવલોપમેન્ટ કાર્ય પુર્ણ થતાં શહેરીજનો તથા જૂનાગઢ આવનારા પ્રવાસીઓને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું મળશે તેવી આ યોજના અમલમાં મુકવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય કવિ નરસૈયાની ભૂમિ જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના અદ્યતન વિકાસ માટે 28.83 કરોડની સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે, જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામો માટે મનપા દ્વારા સમગ્ર પ્રોજેક્ટ રૂ.60.61 કરોડના ખર્ચે હાથ ધરવાની દરખાસ્ત ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફત મુખ્યમંત્રી સમક્ષ મુકવામાં આવી હતી, મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકાને અગાઉ ફાળવેલ 19.49 કરોડ ઉપરાંત 28.83 કરોડ રૂપિયા સ્પેશિયલ ગ્રાન્ટ તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કર્યા હતા જેમાં નરસિંહ મહેતા સરોવરના 9.9 હેક્ટર વિસ્તારનો કુલ 60.61 કરોડના ખર્ચે તબક્કાવાર વિકાસ કરવામાં આવનાર છે.
આમ રાજ્ય સરકાર દ્વારા તો જૂનાગઢના વિકાસ માટે મન મુકીને જોઈએ તેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે વિકાસના કામો લોટ પાણીને લાકડા જેવા થઈ રહ્યાં છે અને પદાધિકારીઓને તંત્ર સામે બાંયો ચડાવવાની ફરજ પડી છે.
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપની કરી રહી છે અને આ કામગીરી એક વર્ષ અગાઉ પૂર્ણ થવાની હતી, પરંતુ સંજોગોવશાત હજુ કામગીરી પૂર્ણ થઈ નથી, આ અગાઉ પણ નરસિંહ મહેતા સરોવરની કામગીરીને લઈને ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ સવાલ ઉઠાવ્યા હતા, અનેક વખત સ્થાનિક લોકોએ પણ રજૂઆતો કરી છે. ગટરના પાણી તળાવમાં ભળી જવા, ઓવરફ્લો તથા કામગીરી દરમિયાન તળાવનું પાણી ખાલી કરવા સહિતના અનેક મુદ્દે અગાઉ રજૂઆતો થઈ ચૂકી છે ત્યારે હવે જ્યારે બ્યુટીફિકેશનની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાને આરે છે ત્યારે નબળી કામગીરી સામે આવી છે અને આ અંગે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.