PM મોદીએ મ્યાનમારના આર્મી ચીફ સાથે વાત કરી, કહ્યું- ‘ભારત મુશ્કેલ સમયમાં તમારી સાથે છે’

PM Modi spoke to Myanmar’s Army Chief: શુક્રવારે મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર ભારતના PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મ્યાનમારના જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ મુશ્કેલ સમયમાં એકતા સાથે ઉભા રહેવાનું આશ્વાસન આપ્યું હતું. પીએમ મોદીએ મ્યાનમારના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ભારત, એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, આ મુશ્કેલ સમયમાં મ્યાનમારની સાથે ઉભું છે.

X પર પોસ્ટ કરી
પીએમ મોદીએ મ્યાનમારના જનરલ મિન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વાતચીત પછી પીએમ મોદીએ X પર એક પોસ્ટ મૂકી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “મ્યાનમારના વરિષ્ઠ જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકતામાં ઉભું છે. ઓપરેશન બ્રહ્મા હેઠળ, આપત્તિ રાહત સામગ્રી, માનવીય સહાય, શોધ અને બચાવ ટીમો ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે.

ભારતે રાહત સામગ્રી મોકલી
નોંધનયી છે કે, મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ પછી ભારતે રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલ્યો છે. ભારતે મ્યાનમારને સહાય તરીકે 15 ટન રાહત સામગ્રી મોકલી છે. ભારતીય વાયુસેનાના હિંડન સ્ટેશનથી ભારતીય વાયુસેના (IAF) C-130J એરક્રાફ્ટમાં મ્યાનમારને રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. રાહત પેકેજમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખાવા માટે તૈયાર ખોરાક, વોટર પ્યુરીફાયર, હાઈજીન કીટ, સોલાર લેમ્પ, જનરેટર સેટ અને પેરાસીટામોલ, એન્ટીબાયોટીક્સ, સિરીંજ, ગ્લોવ્સ અને બેન્ડેજ જેવી આવશ્યક કીટનો સમાવેશ થાય છે.

મ્યાનમારમાં 1000 થી વધુ લોકોના મોત થયા
હકીકતમાં, શુક્રવારે મ્યાનમાર અને તેના પડોશી દેશ થાઇલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં બહુમાળી ઇમારતો, પુલો અને ડેમનો નાશ થયો. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા છે, જ્યારે 1700 લોકો ઘાયલ થયા છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં નિર્માણાધીન એક બહુમાળી ઈમારત પડી જવાનો વીડિયો સામે આવ્યો છે. શુક્રવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા 7.7 નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્ર મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું. આ પછી પણ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા.