પાસપોર્ટ રિન્યુઅલને લઈને હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો – ક્રિમિનલ કેસ પેન્ડિંગ હશે તો પણ 10 વર્ષ માટે રિન્યુ થશે

અમદાવાદઃ પાસપોર્ટ રિન્યુઅલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે. ગુજરાત હાઇકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંને હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. આ સાથે હાઇકોર્ટે જણાવ્યુ છે કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે, પરંતુ પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી સત્તા નથી. આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ન કરી શકે. બંધારણના અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા હાઇકોર્ટે અવલોકન કર્યું છે.
હાઇકોર્ટે જણાવ્યુ છે કે, વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર એક વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ કરતી હતી. અરજદાર અદાલતમાં જાય તો 3થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થતા હતા. પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટે ઠેરવ્યું કે, કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવું જોઈએ.
આ સિદ્ધાંતને લાગુ કરતા હાઇકોર્ટે આરોપીના પાસપોર્ટને 10 વર્ષ માટે રિન્યુ કરવા હુકમ કર્યો છે. પાસપોર્ટ રિન્યુઅલના કેસ અને પડતર કેસમાં ચુકાદો સીમાચિન્હ રૂપ બની રહેશે.