May 17, 2024

નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા 10 દિવસ માટે સ્થગિત, 40 હજાર પરિક્રમાવાસીઓમાં આક્રોશ

narmada uttarvahini parikrama stopped for 10 days 40 thousand parikramavasi

નર્મદાઃ હાલ ચૈત્ર મહિના દરમિયાન નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરવામાં આવતી હોય છે. ત્યારે હવે પરિક્રમા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તંત્રએ નર્મદામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. તેને કારણે નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે આવેલા પરિક્રમાવાસીઓને ધક્કો થયો છે અને તેને કારણે રોષ જોવા મળ્યો છે.

તંત્રએ નર્મદા નદીમાં પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. તેને લઈને પરિક્રમા 10 દિવસ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદામાં પાણીનું વહેણ વધતા બનાવવામાં આવેલો કામચલાઉ બ્રિજ પણ ધોવાઈ ગયો છે. ત્યારે પરિક્રમા કરવા માટે આવેલા 30થી 40 હજારો પરિક્રમાવાસીઓ રોષે ભરાયા હતા. તંત્રએ હાલ પરિક્રમા સ્થગિત કરી પાણી ઉતરવાની સૂચના બાદ પરિક્રમા શરૂ કરવાની શક્યતા દર્શાવી હતી.

ત્યારે પરિક્રમાવાસીઓએ નાવ વધારી પરિક્રમા પુનઃ શરૂ કરવા માટે તંત્ર પાસે માગણી કરી હતી. તંત્રએ હાલ તમામ પરિક્રમાવાસીઓને પરત મોકલી દીધા હતા. તેને લઈને પરિક્રમાવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તંત્રએ સરદાર સરોવર ડેમમાંથી 30 હજાર ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. જેને લઈને નર્મદા નદીનું જળસ્તર વધી ગયું છે.

નર્મદાની પંચકોશી પરિક્રમા નર્મદા ઉત્તરવાહિની નર્મદા મૈયાની થાય છે. નર્મદા નદી જે ભાગમાં ઉત્તરદિશા તરફ વહેતી હોય એની પરિક્રમા કરવાનું મહાત્મય છે. એવું માનવામાં આવે છે કે, વર્ષો પહેલાં માર્કંડ ઋષિએ આ પરિક્રમાની શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ પરિક્રમા દરવર્ષે ચૈત્ર માસમાં યોજવામાં આવે છે.

નર્મદાની આખી પરિક્રમા જેટલું જ ફળ ઉત્તરવાહિની પરિક્રમામાં મળે છે. આ પંચકોશી પરિક્રમા 21 કિમી લાંબી છે, જે ચારથી પાંચ કલાકમાં પૂરી થાય છે અને તેમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. આ પરિક્રમામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા કરવા આવે છે. ચૈત્ર મહિનામાં આખો મહિનો 30 દિવસ પરિક્રમા ચાલે છે. જેમાં અંદાજિત 5 લાખ જેટલા ભક્તો આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં પાંચ લાખ પરિક્રમાવાસીઓએ પરિક્રમા પૂરી કરી છે. હજુ આગામી 8મી મે સુધી પરિક્રમા ચાલશે.

આ પરિક્રમા દરમિયાન નર્મદા નદી બે વખત પાર કરવાની થાય છે. એકવાર શહેરાવથી તિલકવાડા વચ્ચે અને બીજીવાર રેંગણથી રામપુરા ઘાટ વચ્ચે. છેલ્લા બે વર્ષથી નાવડી ઓછી હોવાને કારણે અફરાતફરી થતી હતી એટલે કામચલાઉ બ્રિજ સ્થાનિકો દ્વારા બનાવવામાં આવે છે. હાલ સારી રીતે તંત્રની સુંદર વ્યવસ્થા વચ્ચે નર્મદાની પંચકોશી પરિક્રમા અંતિમ પડાવ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ નર્મદા નદીમાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવાની ફરજ પડી હોવાથી હાલ પૂરતી પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી.

સરદાર સરોવર નર્મદા બંધના નિયમ પ્રમાણે મધ્યપ્રદેશને 57%, મહારાષ્ટ્રને 26% અને ગુજરાતને 16% વીજળી આપવાનો કરાર છે. મધ્યપ્રદેશ હાલ નર્મદા ડેમ પાસે વીજળીની માગ કરી રહ્યો છે. વીજળી પૂરી પાડવા નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એક ટર્બાઈન 15થી 20 હજાર ક્યુસેક પાણી ખર્ચ કરે જે પાણી નર્મદા નદીમાં જાય છે. વીજળી ઉત્પાદન માટે 2 યુનિટ ચાલુ કરવામાં આવતા 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી નર્મદા નદીમાં આવવાથી નદીનું વહેણ વધીને 2 ફૂટ સુધી પાણીની સપાટી વધે તેવી શક્યતા છે. જેને કારણે નર્મદા પંચકોશી પરિક્રમા માટે બનાવેલા બ્રિજનું પણ ધોવાણ થયું છે.