પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને રૂ.50 લાખનું વળતર અને નોકરી

Pahalgam terror attack: હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા કરનાલના રહેવાસી લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે લેફ્ટનન્ટ વિનય નરવાલના માતા-પિતાની ઇચ્છા મુજબ, પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરી છે.
વિનય નરવાલ સાથે શું થયું?
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ (26) શહીદ થયા હતા. તેના લગ્ન લગભગ એક અઠવાડિયા પહેલા જ થયા હતા અને તે તેની પત્ની સાથે કાશ્મીર હનીમૂન પર ગયા હતા. આતંકવાદી હુમલામાં વિનયના મૃત્યુથી નરવાલ પરિવાર આઘાતમાં છે.
કેન્દ્રીયમંત્રી મનોહર લાલ ખટ્ટર પરિવારને મળ્યા
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર નરવાલ પરિવારને મળ્યા હતા. શોકગ્રસ્ત પરિવારને મળવા માટે ખટ્ટર કરનાલ સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા.વિનયના દાદા હવા સિંહને સાંત્વના આપતા ખટ્ટરની આંખો ભીની થઈ ગઈ. નરવાલ પરિવારને મળ્યા બાદ ખટ્ટરે આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને કહ્યું, ‘આજે દુનિયાના દેશો આ મામલે આતંકવાદ સામે આપણી સાથે ઉભા છે અને ભારત ચોક્કસપણે આતંકવાદને ડામવા અને આ ઘટનાઓનો બદલો લેવા માટે જે પણ જરૂરી હશે તે કરશે.’