ખેડૂતોની દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ! એકબાજુ કુદરતનો પ્રકોપ તો માર્કેટિંગ યાર્ડમાં ભાવ ઓછો…

સંજય વાઘેલા, જામનગરઃ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની જાણે માઠી બેઠી હોઈ તેમ એકપછી એક વર્ષ બગડી રહ્યા છે. કુદરતના પ્રકોપને તો ધરતીપુત્રો સહન કરી જ રહ્યા છે પરંતુ લોહી રેડીને તૈયાર કરેલો પાક જ્યારે યાર્ડમા પહોંચે છે, ત્યારે તેનો ભાવ જાણીને ખેડૂતોના પગ નીચેથી જમીન ખસી જાય છે. ચોમાસું સિઝન બાદ જ્યારે શિયાળુ પાકના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ શિયાળુ સિઝનની જણસ ઘઉં, ચણા અને જીરુંની મબલખ આવક થઈ રહી છે. આસપાસના ગામના લોકો ખાનગી વાહનોમાં જણસ લઈને આવી રહ્યા છે. વહેલી સવારથી જ ઘઉં, ચણા અને જીરુંની હર્રાજી શરુ થાય છે. મોટી સંખ્યામાં વેપારીઓ પણ યાર્ડ ખાતે આવી રહ્યા છે. હર્રાજી બાદ ખેડૂતોનાં મોઢા ઉપર ઓછા ભાવ મળવાની ચિંતા ચોક્કસપણે વર્તાઈ રહી છે. ગત વર્ષે જીરાનો ભાવ 5500થી 6000 સુધી હતો તે આ વર્ષે 3500થી 4000 સુધી જ મળી રહ્યો છે. ઘઉંમાં પણ આ વર્ષે માત્ર 400થી 550 સુધી જ બોલાઈ રહ્યો છે. તો ચણામાં પણ 1000 સુધી જ ભાવ મળી રહ્યા છે.
ખેડૂતો માટે શિયાળુ સિઝન ખૂબ જ મહત્વની હોય છે. કારણ કે આ સિઝનમાં જો સારા ભાવ મળે તો આવનારા વર્ષની સારી તૈયારી થઈ શકે છે. હાપા યાર્ડના ચેરમેનનું કહેવું છે કે, જણસનો ભાવ ક્વોલિટી પર નક્કી થતો હોય છે. માવઠાંને કારણે જીરુંના પાકને નુકશાન પહોંચ્યું હતું. સરકાર તરફથી ખેડૂતોને મુશ્કેલીના સમયમાં મદદ કરવામાં આવતી હોય છે. યાર્ડમાં પણ ખેડૂતોના પાકને સારો ભાવ મળે તેવા અમે પ્રયાસ કરીએ છીએ.
એક તરફ અવાર નવાર થતા માવઠાં તો બીજી બાજુ યાર્ડમાં મળતા ઓછા ભાવને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. તનતોડ મહેનત કરીને જ્યારે ખેડૂતો પાક ઉભો કરે છે. તેનું તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. જામનગર જિલ્લાના ખેડૂતોમાં હાલ ઘઉં, જીરું અને ચણાના ભાવને લઈને ચિંતા જોવા મળી રહી છે.