આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગૃહ વિભાગનો નવતર પ્રયોગ, PMની સુરક્ષાની જવાબદારી મહિલાઓને માથે

જીગર નાયક, નવસારીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નવસારી જિલ્લામાં કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના સુરક્ષાનો હવાલો ગુજરાત મહિલા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ પ્રયોગ કરીને મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશો આંતરરાષ્ટ્રીય મહિલા દિને નવસારીથી આપવા માટે ગુજરાતના ગૃહ વિભાગે નવતર પ્રયોગ કર્યો છે.
ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં સુરક્ષાને લઈને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને એ પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી ગામે લખપતિ દીદી સન્માન કાર્યક્રમમાં પધારી રહ્યા છે. ગુજરાતના 33 જિલ્લાની 1 લાખથી વધુ લખપતિ દીદીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરશે. જેમાં ગુજરાતના સિનિયર આઇપીએસ અધિકારી નીપુણા તોરવણેની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા મહિલાઓ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
2500થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા વિભાગમાં જોતરાશે. વડાપ્રધાનના હેલિપેડ પર લેન્ડિંગથી માંડીને મહિલાઓ સાથે સમાપન સુધીના તમામ કાર્યક્રમના શિડ્યુલની સુરક્ષા વ્યવસ્થા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 10 આઇપીએસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેનું પ્રતિનિધિત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ નીપુણા તોરવણેને સોંપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે.