કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક સર્વે, ખેતીમાં 1.93 લાખ હેક્ટરમાં પાક બગડ્યો

ગાંધીનગરઃ રાજ્યમાં 33 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ વિભાગે 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં પ્રાથમિક સર્વે કરવાની સૂચના આપી હતી. જેમાં સર્વે કરતા કમોસમી વરસાદના કારણે અંદાજિત ખેતીમાં 1.93 લાખ હેકટરમાં અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બગયાતના 88 હજાર હેક્ટર જમીનમાં પાક અસરગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તબક્કે સર્વેની કામગીરી આણંદ, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલીમાં પણ કરવામાં આવશે. કમોસમી વરસાદના કારણે કૃષિ વિભાગની કુલ 474 ટીમો સર્વેની કામગીરીમાં જોડાશે. આગામી સપ્તાહથી સર્વેની કામગીરી શરૂ થશે. આ ઉપરાંત કૃષિ વિભાગ આ અંગે ખેડૂતોને પણ જાણ કરશે.

જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે તેવા ખેડૂતો કૃષિ વિભાગને સીધી રજૂઆત કરશે. જેથી સર્વે કરનારી ટીમ અરજીના આધારે સ્થળ તપાસ કરીને નુક્સાનીનો તાગ મેળવી શકશે. સર્વેની કામગીરી SDRFના નિયમ પ્રમાણે થશે. 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેમના માટે સરકાર સહાય જાહેર કરશે.