જાંબુરમાં ભૂલકાંઓ માટે નથી આંગણવાડી! ક્યારેક ભાડાંના મકાનમાં તો ક્યારેક મદરેસામાં ચલાવવા મજબૂર

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લામાં કુલ 1166 આંગણવાડી આવેલી છે. જેમાં નવી આંગણવાડી 23 બની રહી છે અને ભાડા પેટેથી 407 આંગણવાડી ચાલે છે. તાલાળા ગીરનાં જાંબુર અને માધુપુર ગામે આવેલી આંગણવાડી જર્જરિત બનતા તેને ચારેક વર્ષ પહેલાં તોડી પડાઈ હતી. ત્યારથી બાળકો ક્યાંક ભાડાની તો ક્યારેક મદરેસાનાં મકાનમાં ચલાવવા સંચાલકો મજબૂર બન્યા છે.
ખાસ કરીને ચોમાસામાંને શિયાળામાં બાળકોને અગવડતા પડતી હોવા છતાં પણ આંગણવાડીનું નવું બિલ્ડિંગ હજુ સુધી બન્યું નથી. આ આંગણવાડીમાં 162 જેટલા બાળકોના નામ નોંધાયેલા છે. શરૂઆતમાં બધા જ બાળકોને વાલીઓ મોકલતા પરંતુ અહીંથી ત્યાં ફરતી આંગણવાડી બની જતા હાલમાં 50થી 55 બાળકો આવે છે.
સ્થાનિકોએ તંત્રમાં અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરાઈ રહ્યા હોવાનું દર્શાઈ રહ્યું છે. સરકાર દ્વારા નવા બિલ્ડિંગની મંજૂરી પણ અપાઈ ગઈ છે. આદિમ જૂથની ગ્રાન્ટ પણ આવીને પડેલી છે. આમ છતાં કામ આગળ વધતું નથી…! સ્થાનિક લોકોમાં એ પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે આંગણવાડીનાં નવા બિલ્ડિંગ સંદર્ભે કોની રાહ જોવાય છે? કે પછી તંત્રની લાલિયાવાડીને કારણે કામ ખોરંભે પડ્યું છે? ગ્રામજનોની સાચી અને વાસ્તવિક રજૂઆતને સાંભળવા કે સમજવાની તંત્રની તૈયારી જ નથી!
એકબાજુ ગુજરાત સરકાર આદિમજૂથોનાં વિકાસના મોટા મોટા બણગાં ફૂંકે છે. મંત્રી મોટી મોટી વાતો કરે છે, ત્યારે આ નાના ભૂલકાંઓ કેમ વિસરાઈ રહ્યા છે. જિલ્લામાં ઘણી આંગણવાડીઓ બીમાર છે. ગીરની જાબુંર ખાતેની આ આંગણવાડી ભાડાના સાંકડા મકાનમાં ચલાવવી પડે છે. તો વળી ક્યારેક મદરેસામાં પણ ફેરવવી પડે છે. મદરેસામાં મૌલાના આવી જશે એટલે વળી આંગણવાડી ફેરવવવાની. આ ફેરફૂદરડીની રમત ક્યાં સુધી ચાલશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે.
આ અંગે આઇસીડીએસ વિભાગનો સંપર્ક સાધતા જુનિયર ક્લાર્ક જણાવે છે કે, ‘અમારા દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી અમલીકરણ અધિકારીને મોકલી આપી છે. ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે. વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. આગામી દિવસોમાં કામ શરૂ થઈ જશે.’ પરંતુ આ ‘આગામી દિવસ’ હજુ આવ્યો નથી અને ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. એવું લાગી રહ્યું છે કે, તંત્ર એકબીજાને ખો આપી રહ્યું છે. વહીવટી મંજૂરી મળેલી હોવા છતાં બે-ત્રણ વર્ષથી કોઈ જ કામગીરી શરૂ ન થવાને કેવો વિકાસ ગણવો? અને એ પણ ભૂલકાંઓની આંગણવાડી જેવી મહત્વની બાબતે પણ તંત્ર ક્યાં સુધી ઉદાસીનતા દાખવશે? તેવું ગામલોકો કહી રહ્યા છે.