June 1, 2024

ગુરુકુળમાં બાળકના બ્રેઇન વોશનો મામલો, ‘નાઇટ મેચ’ મામલે ખુલાસો આપ્યો

ગીર-ગઢડાઃ તાલુકાના મોટા સમઢીયાળા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્વામી દ્વારા બ્રેઇન વોશ કરવામાં આવતો હોવાનો વિદ્યાર્થીના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્વામી જનાર્દને પ્રતિક્રિયા આપી હતી.

વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગીર-ગઢડા તાલુકાના સમઢીયાળા ગામની ગુરુકુળ વિદ્યાલયમાં જનાર્દન સ્વામી દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માતા-પિતાથી દૂર રહી અને સ્વામી બનવા માટે બ્રેઇન વોશ કરવામાં આવતો હતો. તેમજ સ્વામી અને વિદ્યાર્થી વચ્ચેનું મોબાઇલમાં વાતચીત થતી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેમાં સ્વામી યુવકને ગુરુકુળમાં આવવા તેમજ જો કોઈ ગુરુકુળમાં જવાની ના પાડે તો ખાવા પીવાનું છોડી દેવા સહિતની હઠ પકડવી તેવી બાબતોનું સ્વામી દ્વારા બ્રેઇન વોશ કરવામાં આવતું હતું.

ત્યારે ગઈકાલે સ્વામી અચાનક જૂનાગઢ જતા રહ્યા હતા અને આજરોજ મોટા સમઢીયાળા ગામે ગુરુકુળમાં આવ્યા હતા અને પ્રતિક્રિયા આપી હતી. જેમાં સ્વામીએ જણાવ્યું હતું કે, અહીંયા કોઈને બ્રેઇન વોશ કરતા નથી સાધુ કોઈના કહેવાથી કોઈ થતું નથી. જ્યારે તેને તેમાંથી પ્રેરણા મળે તો જ સાધુ થાય, સાધુ બનાવવા હોત તો અમારી ગુરુકુળ આખી સાધુની હોત. સાધુ બનવા મોટી પ્રોસેસ હોય છે ત્યારે સાધુ બનાય છે. જ્યારે બાળકના વાલી હાથ પકડી બાળકને સોંપવા આવે અમારા બાળકને સ્વામી બનાવો તેમ વાલીની મંજૂરી હોય તો જ અમે સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાનું રટણ કરે છે. ત્યારે અમે બાળકની કેળવણી કેવી રાખીએ છીએ શિક્ષણ કેવું છે, અમે બાળકને ઘર કરતાં સારી રીતે રાખીએ છીએ. જેમ કે, રહેવું, જમવું, જ્ઞાન આપવું સહિતને જાળવણી કરીએ છીએ. જેથી બાળકને અહીં આવવાનું વધુ પસંદ છે. સાધુ બનવા માટે નથી કરતા.’

નાઈટ ક્રિકેટ રમવા બાબતે સ્વામી અને વિદ્યાર્થી વચ્ચેની ઓડિયો ક્લિપમાં શબ્દ કહેવામાં આવ્યો છે તેને લઈ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘અહીંયા ગુરુકુળમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વેકેશનમાં જતા રહે અને બીજા વિદ્યાર્થીઓ રહેતા હોય છે, તે અહીંયા રાત્રિના ક્રિકેટ મેચ રમતા હોય છે. તેને અમે નાઈટ ક્રિકેટ કહીએ છીએ. નાઈટ ક્રિકેટ એટલે રાત્રિના રમાતી મેચ અને આ શબ્દોનો ઉપયોગ કરતા લોકો અન્ય શબ્દનું અર્થઘટન કરતા હોય.’

જનાર્દન સ્વામીએ વાલી સાથે સમાધાન બાબતે જણાવ્યું હતું કે, ‘અમારે વાલી સાથે સમાધાન થઈ ગયું છે. ત્યારબાદમાં એકબીજાના પ્રશ્નો હતા. જેમ કે, વાલીના પ્રશ્નો અને ગુરુકુળના પ્રશ્નો એ બાબતે અમે એકબીજાને સમાધાન કરી લીધું છે અને એકબીજા સહમત છીએ. અમે આ વાતને આગળ વધારવા માગતા નથી.’