May 18, 2024

રાજપૂત સમાજ પર ખોટા કેસ થશે તો ક્ષત્રિય વકીલો ફ્રીમાં કેસ લડશે

રાજકોટના ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશન દ્વારા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રાણીયોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી છે અને સતત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, હવે આ વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચી ગયો છે. ત્યાંના રાજપૂત સમાજમાં પણ રૂપાલાના નિવેદન બાદ વિરોધ જોવા મળ્યો છે. ત્યારે આજે પદ્મિનીબા વાળાનો અન્ન ત્યાગનો બીજો દિવસ છે. આ દરમિયાન પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, મને કાંઈ પણ થશે તો તેની જવાબદાર સરકાર રહેશે. રૂપાલાની ટિકિટ રદ મામલે ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય સ્વમાન માટે મરી પણ શકે છે, મારી પણ શકે છે. વધુમાં પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, નેતાઓ નારીઓનું શોષણ પણ કરી રહ્યા છે.

ક્ષત્રિય સમાજ દરેક રાજ્યમાં ક્ષત્રિય સંગઠનો સાથે મુલાકાત કરશે
જણાવી દઇએ કે, પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી મામલે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપુત ભવન ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાધાન ન આવતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. જે બાદ એવી પણ જાણકારી સામે આવી છે કે, આગામી સમયમાં ક્ષત્રિય સમાજ દરેક રાજ્યમાં ક્ષત્રિય સંગઠનો સાથે મુલાકાત કરશે અને રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં ક્ષત્રિયો સંગઠનોને જોડવામાં આવશે. સાથે જ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ક્ષત્રિય સમાજ દ્વારા અનેક રાજ્યોમાં રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવાશે.

ક્ષત્રિય વકીલો ફ્રીમાં કેસ લડશે
બીજી તરફ રાજકોટના ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશન દ્વારા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગીરાસદાર ક્ષત્રિય વકીલો કલેક્ટર તેમજ પોલીસ કમિશ્નરને રજૂઆત માટે પહોંચ્યા હતા. જેમાં ક્ષત્રિય સમાજ પર ખોટા કેસ ન કરવા કલેક્ટર તેમજ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ક્ષત્રિય વકીલ ફાઉન્ડેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો રાજપૂત સમાજ પર જો ખોટા કેસો થાય તો ક્ષત્રિય વકીલો ફ્રીમાં કેસ લડશે.

અમદાવાદમાં પણ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે ત્યાં જ ધંધુકામાં 7 એપ્રિલે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં સમાજની મહિલાઓ, યુવાનો અને આગેવાનો હાજર રહેશે. આ મહાસંમેલનની રણનીતિ અંગે ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિગમાં બેઠક મળી હતી. બેઠકમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી હતી.