Earthquake: ભૂકંપથી તબાહી, મ્યાનમારમાં કટોકટી, બેંગકોકમાં ટ્રેન સેવા સ્થગિત, એરપોર્ટ બંધ

Earthquake in China-India-Thailand-Myanmar: ભારત સહિત ચાર દેશોમાં આજે બપોરે જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ અને ભારતના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા. ચીની સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.9 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, મ્યાનમારના સાગાઇંગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. આ ભૂકંપના થોડા સમય પછી, 6.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. આ ભૂકંપના આંચકા થાઈલેન્ડમાં પણ અનુભવાયા હતા. જ્યાં થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન, મ્યાનમારમાં નદી પર બનેલો એક પુલ તૂટી પડ્યો.

ભૂકંપના તીવ્ર આંચકા પછી, મ્યાનમારના મંડલે એરપોર્ટ પરથી લોકોને બચાવવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એરપોર્ટ પર એલર્ટ એલાર્મ વાગ્યા બાદ ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સાથે, અન્ય શહેરોમાં પણ ઘણી ઇમારતો ધરાશાયી થવાના અને લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી રહ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે. મ્યાનમારમાં ઇરાવદી નદી પરનો પુલ પણ તૂટી પડ્યો, જેના કારણે બંને શહેરો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો.

મ્યાનમારની સેનાએ ઈમરજન્સી જાહેર કરી
મ્યાનમારની સૈન્યએ દેશના મોટાભાગના કેન્દ્રમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જેમાં બીજા શહેર મંડલે અને સૈન્ય દ્વારા નિર્મિત રાજધાની નાયપિતાવનો સમાવેશ થાય છે. સીએનએન અનુસાર, સાગાઇંગ, મંડલે, બાગો અને મેગવે પ્રદેશો તેમજ પૂર્વીય શાન રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

થાઈ પીએમએ બેંગકોકને ‘ઇમરજન્સી ઝોન’ જાહેર કર્યું
પડોશી મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ થાઇલેન્ડના PMએ બેંગકોકને ‘ઇમરજન્સી ઝોન’ જાહેર કર્યું છે. પીએમ કાર્યાલયના એક નિવેદન અનુસાર, “વડાપ્રધાનએ ગૃહ મંત્રાલયને તાત્કાલિક બેંગકોકને કટોકટી ક્ષેત્ર જાહેર કરવા અને દેશના તમામ રાજ્યોને તેને કટોકટી તરીકે ધ્યાનમાં લેવા માટે જાણ કરવા સૂચના આપી છે જેથી જરૂર પડ્યે તાત્કાલિક જાહેર સહાય પૂરી પાડી શકાય.”

ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો
થાઇલેન્ડમાં ભારતીય નાગરિકો માટે જારી કરાયેલ. ભારતીય દૂતાવાસે +66618819218 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.