Champions Trophy 2025 Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો

Champions Trophy 2025 Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી ફાઇનલિસ્ટ ટીમ પણ મળી ગઈ છે. ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી સેમિફાઇનલમાં, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું અને આ રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું છે. ઓસ્ટ્રેલિયા બાદ હવે આ ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. હવે ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જે પણ ટીમ આ મેચ જીતશે તેને ચેમ્પિયન્સ ટ્રોફીનો નવો વિજેતા જાહેર કરવામાં આવશે.
🇮🇳 🆚 🇳🇿#ChampionsTrophy 2025 Final 🤩
Dubai 📍 pic.twitter.com/mD112FDOIh— ICC (@ICC) March 5, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં 6 ટીમોની સફર પૂરી થઇ છે
આ વર્ષની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 8 ટીમો વચ્ચે રમાઈ રહી છે. આમાં, 4 ટીમો પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી. પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થયો હતો, જેમાં ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટથી જીત મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ પછી, બીજા સેમિફાઇનલમાં, ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને તેની સફરનો અંત લાવ્યો. હવે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે દુબઈમાં રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ICC એ પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે છે તો ટાઇટલ મેચ દુબઈમાં યોજાશે અને જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય તો તે લાહોરમાં યોજાશે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલનું સ્થળ પહેલેથી જ નક્કી કરી લીધું હતું. હવે ફાઇનલ મેચ રવિવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આના અડધા કલાક પહેલા, એટલે કે 2 વાગ્યે, ભારત અને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોસ માટે મેદાનમાં આવશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ વર્ષ 2000માં પણ રમાઈ હતી
ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં એક વખત આ ખિતાબ જીત્યો છે. વર્ષ 2000માં, ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતી હતી. ત્યારથી, ટીમ આ ICC ટાઇટલથી દૂર છે. હવે જોવાનું એ રહે છે કે 9 માર્ચે જ્યારે આ બંને ટીમો ફરી એકબીજા સામે ટકરાશે ત્યારે કઈ ટીમ વિજયી બનશે.