31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર, રાષ્ટ્રપતિ મુર્મૂ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે

Parliament Budget Session: ભારતીય સંસદના બજેટ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 31 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મૂના સંબોધન પછી, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

બજેટ સત્ર બે ભાગમાં રહેશે
લોકસભા સચિવાલય દ્વારા બજેટ સત્ર અંગે સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે- “18મી લોકસભાનું ચોથું સત્ર શુક્રવાર, 31 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે. સરકારી કામકાજ આ સત્ર શુક્રવાર, 4 એપ્રિલ, 2025ના રોજ સમાપ્ત થવાની સંભાવના છે.” નોંધનીય છે કે, સંસદના બજેટ સત્રમાં બે ભાગ હશે. બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થશે અને 13 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થશે અને બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચ, 2025થી શરૂ થશે અને 4 એપ્રિલ, 2025ના રોજ સમાપ્ત થશે.

આખા બજેટ સત્રમાં 27 બેઠકો થશે
31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી બજેટ સત્રના પહેલા ભાગમાં કુલ 9 બેઠકો યોજાશે. જેમાં, પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. આ સાથે, નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે. આ પછી, સંસદ બજેટ દરખાસ્તોની તપાસ કરવા માટે વિરામ લેશે. આ પછી, વિવિધ મંત્રાલયો તરફથી અનુદાનની માંગણીઓ પર ચર્ચા કરવા અને બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 10 માર્ચથી બીજા ભાગમાં સંસદ ફરી મળશે. આ પછી સત્ર 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. એટલે કે આખા બજેટ સત્રમાં 27 બેઠકો થશે.

30 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજાશે
બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં 30 જાન્યુઆરી, 2025ના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ અંગે માહિતી આપી છે. બજેટ સત્ર દરમિયાન ગૃહમાં સુગમ ચર્ચા માટે કિરેન રિજિજુએ વિપક્ષી પક્ષોને સહયોગની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રી રિજિજુએ એમ પણ કહ્યું છે કે તેમને આશા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ એક સારું અને સંતુલિત બજેટ રજૂ કરશે.