May 15, 2024

રાષ્ટ્રપતિએ અડવાણીના ઘરે જઇને ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા, PM રહ્યાં હાજર

Bharat Ratna: દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે ‘ભારતરત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા અને આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા. નાદુરસ્ત તબિયતના કારણે અડવાણી શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં હાજરી આપી શક્યા ન હતા.

શનિવારે સન્માન સમારોહ યોજાયો હતો
રાષ્ટ્રપતિએ શનિવારે (30 માર્ચ) રાષ્ટ્રપતિ ભવન ખાતે 4 વ્યક્તિઓને મરણોત્તર ભારતરત્ન એનાયત કર્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથનને નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વ્યક્તિઓના પરિવારજનોને આ સન્માન મળ્યું હતું. નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવને રાષ્ટ્રપતિ તરફથી આ સન્માન મળ્યું.

અડવાણીની પ્રતિક્રિયા
જ્યારે ફેબ્રુઆરી 2024માં અડવાણીને ભારતરત્ન આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમણે તેના પર ખુશી વ્યક્ત કરી હતી. ‘લાલકૃષ્ણ અડવાણીએ તેમના નિવેદનમાં કહ્યું, ‘અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું ‘ભારતરત્ન’ સ્વીકારું છું જે મને આજે એનાયત કરવામાં આવ્યો છે. તે માત્ર એક વ્યક્તિ તરીકે મારા માટે જ નહીં, પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માનની વાત છે જેને મેં જીવનભર મારી ક્ષમતા મુજબ સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.’

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્વારા 4 મહાનુભાવોને ‘ભારતરત્ન’ એવોર્ડ, અડવાણીને આવતીકાલે મળશે

અડવાણીએ કહ્યું, ‘હું મારા પરિવારના તમામ સભ્યો, ખાસ કરીને મારી પ્રિય સ્વર્ગસ્થ પત્ની કમલા પ્રત્યે મારી ઊંડી લાગણીઓ વ્યક્ત કરું છું. તે મારા જીવનમાં શક્તિ અને સ્થિરતાનો સૌથી મોટો સ્ત્રોત રહી છે.’ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે પ્રાર્થના પણ કરી, ‘આપણો મહાન દેશ મહાનતા અને ગૌરવના શિખર સુધી પ્રગતિ કરે.’

ભારત રત્ન કોને આપવામાં આવે છે?
ભારતરત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન, લોકસેવા અને રમતગમત જેવી રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. ભારતરત્ન એવા લોકોને આપવામાં આવે છે જેઓ તેમના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય અને યોગદાન દ્વારા દેશને ગૌરવ અપાવે છે. વર્ષ 2011 પહેલા ભારતરત્ન માત્ર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવાના ક્ષેત્રોમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવતો હતો, પરંતુ 2011માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે ભારતરત્ન મેળવવા માટે કોઈ ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું નથી. ભારતરત્ન મેળવનાર કોઈપણ ક્ષેત્રમાંથી હોઈ શકે છે.