NewsCapital Reality Check: બનાસકાંઠામાં આરોગ્ય કેન્દ્રો ખાલી, સરકારની મોટી મોટી જાહેરાતોના ધજાગરાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ઉપર ડોક્ટરોની ગેરહાજરી જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તેને લઈ અને ડોક્ટરો સહિત આરોગ્ય કર્મચારીઓના સ્ટાફ હાજર રાખવામાં આવતા હોય છે.

બનાસકાંઠામાં કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડિકલ ઓફિસર અને આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરી જોવા મળે છે. ત્યારે આજે ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા સવારે 9.15 મિનિટે પાલનપુર તાલુકાના રતનપુર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રિયાલિટી ચેક કરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકપણ કર્મચારી હાજર જોવા મળ્યાં નહોતા. જો કે, મેડિકલની સારવાર લેવા આવેલા દર્દીઓ ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓની રાહ જોતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચોઃ પાટણ જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોની લાલિયાવાડી, સમયસર હાજર ન રહેતા દર્દીઓને હાલાકી

રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ આરોગ્યલક્ષી સેવા આપતા કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. મેડિકલ ઓફિસરનું ચેમ્બર પણ ખાલી અને બંધ જોવા મળ્યું હતું. જ્યારે લેબોરેટરી ટેક્નિશિયનનું ચેમ્બર પણ ખાલી જોવા મળ્યું હતું. એટલે કે બનાસકાંઠામાં આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ અરવલ્લીના આરોગ્ય કેન્દ્રોમાં લાલિયાવાડી, બેદરકાર ડોક્ટરો-સ્ટાફથી દર્દીઓ પરેશાન

બનાસકાંઠા જિલ્લાના અનેક એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે, જ્યાં ડોક્ટરો સહિત આરોગ્ય કર્મચારીઓ સમયસર હાજર રહેતા નથી. તેને લઈને આરોગ્યની સારવાર લેવા આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સરકારની આરોગ્યલક્ષી સેવાઓની મોટી મોટી જાહેરાતોના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ ધજાગરા ઉડાડતા જોવા મળ્યા છે.