NewsCapital Reality Check: અરવલ્લીના આરોગ્ય કેન્દ્રોમાં લાલિયાવાડી, બેદરકાર ડોક્ટરો-સ્ટાફથી દર્દીઓ પરેશાન

સંકેત પટેલ, મોડાસાઃ અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ન્યુઝ કેપિટલની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીએસસી અને સીએસસી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ડોક્ટરો સમયસર હાજર રહેતા નથી, તેવું સામે આવ્યું છે. સવારના આઠ વાગ્યે પણ કોઈજ સ્ટાફ હાજર જોવા મળ્યો નહોતો.

ન્યૂઝ કેપિટલની ટીમ મેઘરજ તાલુકાના શણગાલ ગામે સવારે આઠ વાગે પહોંચી હતી. ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખંભાતી તાળા જોવા મળ્યા હતા. આરોગ્ય કેન્દ્રમાં કોઈપણ સ્ટાફ હાજર નહોતો. અંતરિયાળ વિસ્તારમાં લોકોને સારી સરકારી સુવિધા અને સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં આરોગ્ય કેન્દ્રો ખાલી, સરકારની મોટી મોટી જાહેરાતોના ધજાગરાં

ત્યારે બીજી તરફ, આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા સ્ટાફને જાણે કોઈપણ પ્રકારની જવાબદારી જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો સહિતનો સ્ટાફ સમયસર પહોંચતો નથી. અંતે દર્દીઓને અન્ય દવાખાનેથી પૈસા ખર્ચી અને દવા લેવી પડતી હોય છે. સરકારના નક્કી કરેલા ટાઈમ મુજબ સમયસર જો સ્ટાફ અને ડોક્ટર પહોંચી જાય તો દર્દીઓને સમયસર સારવાર મળી રહે.