ખાંભાના ડેડાણમાં મુસ્લિમ પિતાએ કરી દીકરીની હત્યા, હિંદુ યુવક સાથે પ્રેમ થતાં પતાવી દીધી

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં મુસ્લિમ યુવતીને હિંદુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂનાં ડરના કારણે રાત્રીના સમયે ગળું દબાવી હત્યા કરી નાખી છે. ખાંભા પોલીસએ પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરી છે.
અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ ગામના હિંદુ યુવક કાના સાથે લગ્ન કરવા જીદે ચડી હતી. પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જો કે, સમાજમાં ઈજ્જત બચાવવા પિતાએ વ્હાલસોયી દીકરીનું ગળું દબાવીને હત્યા કરી હતી. એટલું જ નહીં, તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતા બનાવનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ આ બનાવમાં ફરિયાદી બની છે. અહીં ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની ઘટના સામે આવી છે. અહીં ઇશિકાબેન ખોખર નામની 22 વર્ષીય યુવતીને ગામના કાના નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માગતો હતો. પરંતુ યુવતી તેના કાના સાથે પ્રેમસંબંધ આગળ વધારવા માગતી હતી.
આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીનો સગો બાપ એવો મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવીને હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી. જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. રવિરાજસિંહ ચૌહાણ જાતે જ ગઈ કાલે ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે વહેલી સવારે મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમ ડેડાણ ગામમાં મજીદભાઈના ઘરે પહોંચી હતી. જેમાં યુવતી ઇશિકાબેને મદદ માટે બોલાવેલા હોવાથી ટીમ અહીં યુવતી કંઈ બોલી નહીં શકતા હોવાથી ગંભીરતા દાખવી ખાંભા પોલીસને બોલાવવામાં આવી હતી.
હત્યા પહેલા ઇશિકાબેનએ 181ની અભ્યમ ટીમ પાસે મદદ માગી હતી. અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાથી અને પિતા પરિવાર જબરદસ્તી અન્ય સાથે લગ્ન કરાવવા માગતા હતાં. યુવતીને કાના સાથે લગ્ન કરવા હતા. પરિવાર કાનો હિંદુ સમાજમાંથી આવતો હોવાને કારણે પિતા, પરિવાર ના પાડતા હતા. યુવતીને કાના સાથે પ્રેમસંબંધ હોવાથી લગ્ન કરવા ઇચ્છતા હતા. રાત્રિના સમયે હત્યા પહેલાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી મદદ માગવામાં આવી હતી. પરંતુ, અહીં પહોંચી પરિવારજનોને પૂછતાં કહ્યું – સૂતી છે, બોલાવતા, બોલતી નહીં હોવાને કારણે પોલીસને બોલાવતા ભાંડો ફૂટ્યો હતો.