May 20, 2024

અખાત્રીજે ધરતીપુત્રોનો ઉમંગભેર મુહૂર્ત, સાત ધાન વાવી શુભારંભ કર્યો

અરવલ્લીઃ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ-અક્ષયાતૃતીયાના શુભ દિવસે ધરતીપુત્રો વણજોયેલા આ મુહૂર્તમાં નવા કૃષિ-વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો અને નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કર્યું હતું. વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા.

અરવલ્લીમાં અત્ર.. તત્ર.. સર્વત્ર.. ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગે ખેતી ઓજારો, હળ તૈયાર કરી બળદોના શિંગડા રંગી નવા પોષાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહૂર્ત કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિવસે જિલ્લાના ઈસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું સાગમટે મુહૂર્ત કર્યું હતું.

ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે. આજે દરેક ગામે ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈપણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યાં હતા અને નવા વર્ષની ખેતીનું મૂહુર્ત કર્યું હતું. ભૂમિપુત્રો નવા પોષાક પહેરી અને બળદોને સજાવીને અને લાકડાંના હળને કુમકુમ તિલક કરી બળદના શિંગડા રમજીના રંગથી રંગીને, મોં મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એકસાથે ઘરેથી નીકળીને ખેતરે ગયા હતા. ત્યાં બધા જ એકસાથે હળ ચલાવી ખેતર ખેડી ખેતરમાં સાત ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ, મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કરે છે.

વીતેલા વર્ષમાં પકવેલા પાકોના ભાવ નહીં મળ્યાનું દુખ હોવા છતાં આજે નવા વર્ષનો ઉમંગે પ્રારંભ કર્યા પછી ઘરે આવી આખા વર્ષની ખેતીનું આયોજન કર્યું હતું. વીતેલા વર્ષનું સરવૈયું માંડીને અને નવા વર્ષની ખેતી, વાવેતર અને પાકનું આયોજન કરવા સાથે ખેતી માટે કામે રાખેલા મજૂરોનાં હિસાબ કરી નવા વર્ષનું કામ સોંપવાના કામમાં પરોવાયેલા જોવા મળ્યા હતા.જો કે, અખાત્રીજ એટલે ખેડૂતો માટે મહત્વનો દિવસ ગણવામાં આવે છે, ત્યારે આજના પાવન દિવસે ખેડૂતોએ ખેતીના મુહૂર્ત સાથે ધરતીમાતાનું પણ પૂજન અર્ચન કરી વર્ષોજૂની પરંપરા નિભાવી હતી.