November 1, 2024

કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને આપી માફી, કહ્યું- પીએમ મોદી સામે તમામ વાતો ગૌણ

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રૂપાલા વિવાદોમાં છે. ત્યારે હવે કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી દીધી છે. કાઠી ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાને જણાવ્યું છે કે, તેઓ ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં છે. ત્યાં જ આ મામલે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ ધાંધલે કહ્યું કે, ક્ષત્રિય કાઠી સમાજ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપે છે. પીએમ નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે બાકીની તમામ વાતો ગૌણ બની જાય છે. ત્યાં જ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન રામકુમાર ખાચરે જણાવ્યું હતું કે, અમારે સામાજીક રીતે કોઇ પ્રશ્ન આવતો જ નથી.

મળતી માહિતી અનુસાર  કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપ્યા બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. સમાજના લોકો ટિકિટ રદ કરવા પર અડગ રહ્યા છે. બે વખત માફી માગ્યા બાદ પણ આ વિવાદ યથાવત છે. મહાસંમેલન યોજી ક્ષત્રિય સમાજનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. જેને લઇને સમાજના રોષ બાદ આગેવાનો આગળ આવ્યા છે. તેમજ માધાતાસિંહે સમાધાન માટે પહેલ કરી હતી. આ સિવાય જામ સાહેબે પણ માફ કરવા અપીલ કરી હતી.

કાઠી ક્ષત્રિય સમાજ રૂપાલા સાથે છે અને ભાજપ સાથે છે. નોંધનીય છે કે કાઠી સમાજના લોકોએ રૂપાલા સમક્ષ ટેકો જાહેર કરતા તે રૂપાલા માટે રાહતના સમાચાર પણ કહી શકાય છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે જે પત્રકાર પરિષદમાં યોજાવાની છે. સૌરાષ્ટ્રના મોભીઓ રાજકોટ કમલમ ખાતે હાજર રહેશે. પ્રમુખે જણાવ્યું હતું કે જે પત્રકાર પરિષદ યોજાઇ રહી છે તે પરષોતમ રૂપાલાને માફી અને ભાજપને ટેકો જાહેર કર્યો છે.જેને લઇને પત્રકાર પરિષદ યોજાવાની છે.

શું હતો સમગ્ર વિવાદ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં ખેડાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. જેમા ક્ષત્રિય યુવા સેનાના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ ચૌહાણે BJPના ક્ષત્રિય નેતાઓ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આજે અન્ય સમાજ આપણને સાથ આપે છે. પરંતુ આપણા જ નેતાઓ આપણી સાથે નથી. સમાજના કહેવાતા મોટા નેતાઓ ક્યાં છે…જો તેમને ખરેખર સમાજના હિતની ચિંતા હોય તો આગામી દિવસોમાં આ આંદોલનમાં જોડાય નહીં તો પછી તેઓ પોતાનું નામ રાજપૂતોમાંથી કઢાવી નાખે. રાજકીય રેલીમાં ઘોડા પર બેસીને આવે છે…એ જ નેતાઓ આજે જ્યારે સમાજની વાત આવી છે તો ઘરમાં બેસી જાય છે..