કાંકરિયામાં મુલાકાતીઓ માટે નવું નજરાણું, વાઘની એક જોડી ગ્વાલિયરથી લાવવામાં આવી

દીપેન પઢીયાર, અમદાવાદઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટે નવું નજરાણું ઉમેરાયું છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલયમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વાઘની એક જોડી કાંકરિયા લાવવામાં આવી છે. એક નર અને એક માદા વાઘને એક મહિના સુધી ક્વોરેન્ટાઇન રાખ્યા બાદ આજે મુલાકાતીઓ માટે પાંજરામાં મુકવામાં આવ્યા છે.

વાઘ ઉપરાંત પાંચ જોડી કાળિયારનો પણ કાંકરિયા ઝૂમાં ઉમેરો થયો છે. વેકેશનમાં મોટી સંખ્યામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ આવે છે. ત્યારે મુલાકાતીઓને હવે વાઘની વધુ એક જોડી અને કાળિયાર જોવા મળશે. હાલ ઝૂમાં એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘ, એક નર વાઘ અને 4 વાઘણ, 9 દીપડા જેમાં 4 નર અને 5 માદા, એક રીંછ, એક હાથી, 2 હિપોપોટેમસ, 10 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરી સૃપો મળી 2100થી વધુ પ્રાણી-પક્ષીઓ છે.

બીજી તરફ ગરમીની શરૂઆત થતા ઝૂમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઝૂમાં સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને ગરમી તથા લૂથી બચાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકવામાં આવ્યા છે. કુલરથી પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાથી તેમજ હિપોપોટેમસના પાંજરામાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે. અન્ય પક્ષીઓના પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત માટે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.