May 15, 2024

અમદાવાદ DEOની નવી પહેલ, સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લેબ બનાવી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ જિલ્લા શિક્ષણાધિકારી હવે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી ડિજિટલ સ્વરૂપે કરાવશે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે હવે અમદાવાદના ડીઇઓ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષામાં મદદ મળે તે માટે ડિજિટલ સાયન્સ લેબના માધ્યમથી માર્ગદર્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરતા થિયરીને વધુ મહત્વ આપતા હોય છે. તેને કારણે તેમને પ્રેક્ટિકલ પરિક્ષામાં ઓછા માર્ક આવે છે. જેથી પરીક્ષાનાં આગળના દિવસોમાં પ્રેક્ટિકલ વીડિયો જોઇને પરીક્ષા આપવા માટે જઈ શકે તે માટે ડિજિટલ સાયન્સ લેબ ડીઇઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સારથી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીલક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી હવે પ્રેક્ટિકલ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉનાળાના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી શકે તે માટે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. આ સાથે મુખ્ય વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી માટેના ડિજિટલ વીડિયો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેની મદદથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકશે. આ તમામ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવશે. જેથી કરીને ન ફક્ત અમદાવાદના પરંતુ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

અમદાવાદના ડીઇઓ રોહિત ચૌધરીએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાયન્સ લેબની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી હતી. તેના સોલ્યુશન પણ હવે ડિજિટલના માધ્યમથી અપલોડ કરવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા ડિજિટલ પ્રશ્ન બેંક આધારીત ઓએમઆરનું સોલ્યુશન પણ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યુ છે. જેથી વિદ્યાર્થીઓ પ્રશ્નબેંકના આધારે તૈયારીઓ કરતી વખતે કોઈ મુશ્કેલી પડે તો તે વીડિયોના માધ્યમથી તે સમજી શકે.