દાણીલીમડાના ફ્લેટમાં આગ લાગતા 21 દિવસની બાળકીનું મોત, 8 ઇજાગ્રસ્ત

ફ્લેટના પાર્કિંગથી લઈને છઠ્ઠા માળ સુધી આગ લાગી હતી.
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાણીલીમડા વિસ્તારના ખ્વાજા ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ સહિત સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગી છે. દાણીલીમડા ગામના પટેલ વાસ વિસ્તારના કેજીએમમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં આગ લાગી છે. ફ્લેટના પાર્કિંગથી માંડીને 6 માળ સુધી આગ લાગી ગઈ છે.
આ ઘટનામાં 21 જેટલા વ્યક્તિઓ દાઝી ગયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ આંકડો વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આકસ્મિક આગ લાગતા ફ્લેટમાં દોડધામ મચી ગઈ છે. લોકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા અને તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મહત્વનું છે કે, આ દુર્ઘટનામાં એક 21 દિવસની બાળકીનું મોત થયું છે. જ્યારે અન્ય બાળકોની હાલત ગંભીર છે. હાલ ફાયરવિભાગની અનેક ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે.