ઇ-કોમર્સ વેબસાઇટ હેકિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, બેન્કના ડેપ્યૂટી મેનેજરની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ ઇ-કોમર્સ વેબસાઈટ હેકિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેન્ક ડેપ્યુટી મેનેજરની અટકાયત કરી છે. કરોડોની ઠગાઈ કરનારી ત્રિપુટી ગેંગ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે. આરોપી વિજય બેંક મેનેજર પાસેથી યુટીઆર કોડ મેળવીને ઓનલાઈન જુગાર પૈસા મેળવતા હતા. આ સાથે જ ઠગાઈના મોટાભાગના પૈસા ઓનલાઈન જુગારમાં હાર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

સિક્યુરીટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઇ-કોમર્સ વેબસાઈટ હેક કરીને 7 કરોડની ઠગાઈ કરનારા આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, આરોપીઓ ઓનલાઇન જુગાર રમવા કુટેવ ધરાવે છે. જેથી કરોડો રૂપિયાનો જુગાર હારી ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સાથે જ ઓનલાઈન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના યુટીઆર કોડ મેળવી તેમના પૈસાથી જુગાર રમતા હતા. જેમાં બેંક કર્મચારીને કમિશનની લાલચ આપી તેમની પાસેથી યુટીઆર કોડ મેળવતા હતા.

રાણીપ બ્રાન્ચની એક્સિસ બેંકના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરે આરોપી વિજયને વોટ્સએપથી યુટીઆર કોર્ડ મોકલતો હતો. આ બેંક મેનેજરને રકમના 3% થી 10% કમિશન આપતો હતો. બેંકના ડેપ્યુટી મેનેજરને અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયા આરોપી વિજયે આપ્યા હોવાનું કબૂલી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ડેપ્યુટી મેનેજર સહદેવની અટકાયત કરી છે. ત્યારે આરોપી વિજય વાઘેલા અને સહદેવ જૂનો મિત્રો છે. યુટીઆર કોડથી નંબર મેળવી આરોપી ગેમિંગમાં રૂપિયા ચિપ્સ મેળવી ઓનલાઇન જુગાર રમ્યા હોવાથી Rummy circle અને my11 circle ગેમિંગ ક્રાઇમ બ્રાન્ચે નોટિસ આપી છે.

આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ અને આદિલ પરમારની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આરોપીઓએ વેબ સાઈટ હેક કરી અનેક ચાઇનીઝ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મંગાવી હતી. આ વસ્તુઓનો ગુનાહિત ઇતિહાસમાં કોઈ ઉપયોગ થયો કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તપાસ કરતા આરોપી વિજય વાઘેલા સમગ્ર કાંડનો માસ્ટર માઈન્ડ છે. તેણે વેબસાઈટ હેક કરવા માટે યુએસના એલેકઝાન્ડર નામના હેકર પાસેથી સર્ચ એન્જીન પરથી ડિ-બગિંગ સોફ્ટવેર મેળવી બગ હટિંગ કરી વેબસાઈટ કોમ્પ્રોમાઇઝ કરી ઈ-કોમર્સ વેબસાઈટ પર ઠગાઈનું શીખ્યો હોવાનું કબૂલાત કરી છે.

જો કે, આરોપી વિજયે ફેસબૂક પણ હેકિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ રહ્યો ન હતો. ત્યારે ઇ-કોમર્સ વેબસાઈટ હેકિંગ કરી કરોડો રૂપિયા માલસામાન મેળવી પૈસા મેળવી ઓનલાઈન જુગાર રમતા હતા. જેમાં લગભગ 6 કરોડ જેટલાનો ઓનલાઇન જુગાર રમ્યા છે. જો કે, બાપુનગર વ્હાઈટ હાઉસ નામની બિલ્ડિંગમાં 3 દુકાનો ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી નિતેશ ઉર્ફે છોટુ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની કેન્ટીન ચલાવતો હતો અને મોટા અધિકારીઓના સંપર્ક હોવાની ચર્ચા થઈ રહી છે, જે દિશામાં તપાસ કરાઈ રહી છે.

આરોપી વિજયે હેર ટ્રીટમેન્ટ કરાવ્યા હતા, જેથી વેબ સાઈટ હેક કરીને પ્રોટીન પાવડર મગાવતો હતો. ત્યારે આરોપી આદિલ પરમાર છેલ્લા એક વર્ષથી UPSC તૈયારી કરી રહ્યો હતો અને તે પ્રિલિમ પરીક્ષા આપવાનો હતો. આ કેસમાં ત્રણેય આરોપીએ ઠગાઈના પૈસા મેળવી ઓનલાઇન જુગાર રમ્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ પુરાવા એકત્રિત કરી વધુ તપાસ કરી રહી છે. ત્યારે અન્ય કોઈ બેંક કર્મચારી સંડોવણી છે કે કેમ તે દિશા તપાસ હાથ ધરાઇ રહી છે.