May 20, 2024

સેન્સેક્સમાં 850 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

અમદાવાદ: છેલ્લા પાંચ દિવસ દરમિયાન શેરબજારમાં ભારે ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સ 850 પોઈન્ટથી વધુ ઘટીને 72,616 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 280 પોઈન્ટ ઘટીને 22,022 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો અને અન્ય રોકાણકારો દ્વારા જંગી પ્રોફિટ બુકિંગ હોવાનું માનવામાં આવે છે. NSEના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે કુલ રૂ. 6669.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 5928.81 કરોડના શેરની ખરીદી કરી હતી. મે મહિનામાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં FIIએ રૂ. 15,863 કરોડની ઇક્વિટી વેચી છે.

રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
અગાઉના ટ્રેડિંગ સેશનમાં નોંધાયેલા રૂ. 400.69 લાખ કરોડના મૂલ્યની સરખામણીમાં રોકાણકારોની સંપત્તિ રૂ. 3 લાખ કરોડથી વધુ ઘટીને રૂ. 397.50 લાખ કરોડ થઈ હતી. L&T, ITC, JSW સ્ટીલ, Bajaj Twins, IndusInd Bank અને RIL જેવા શેર બપોરના ટ્રેડિંગમાં 5 ટકા સુધી તૂટ્યા હતા.

BSE પર 29 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ
ઓછામાં ઓછા 137 શેર આજે તેમની 52 સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ ગુરુવારે પ્રારંભિક સોદામાં BSE પર માત્ર 29 શેર તેમના 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. NSE પર 69 શેર 52-સપ્તાહની ટોચ પર હતા, જ્યારે 19 શેર 52-સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા. BSE પરના 3,731 શેરોમાંથી માત્ર 1158 શેરોમાં જ ઉછાળો હતો, જ્યારે 2413 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો: નડિયાદના ધ્રુવને વિજ્ઞાન પ્રવાહમાં મળ્યા 99.48 ટકા, પિતા ચલાવે છે રિક્ષા

આ ત્રણ કારણોને લીધે બજાર ઘટ્યું
બુધવારે વિદેશી રોકાણકારો દ્વારા મોટી સંખ્યામાં ઇક્વિટી વેચવાને કારણે શેરબજારમાં આજે સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત સ્થાનિક રોકાણકારો અને છૂટક રોકાણકારોએ પણ ઘટાડાને કારણે શેર વેચ્યા હતા, જેના કારણે બજારને વધુ ઘટવા માટે મદદ મળી હતી. આ સિવાય આરબીઆઈના નિર્દેશોને કારણે એનબીએફસીના શેરમાં ઘટાડો થયો છે. તે જ સમયે, કેટલીક કંપનીઓના નબળા પરિણામોને કારણે, તે કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે.

કેપિટલ ગુડ્સ, ઓઇલ અને ગેસ શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો
ઓટો અને આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડાઈસિસ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે દલાલ સ્ટ્રીટ પર ઘટાડાને કારણે કેપિટલ ગુડ્સ, ઓઈલ અને ગેસ શેરોમાં સૌથી વધુ અસર થઈ હતી. BSE કેપિટલ ગુડ્સ અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ અનુક્રમે 1231 પોઈન્ટ અને 431 પોઈન્ટ તૂટ્યા હતા. જોકે, ઓટો શેરોમાં વધારો મર્યાદિત હતો અને BSE ઓટો ઈન્ડેક્સ 740 પોઈન્ટ વધીને 51,882 પર પહોંચ્યો હતો.