સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવી લઈ ગઈ, CCTVના આધારે તપાસ શરૂ

અમિત રૂપાપરા, સુરત: સુરતના પુણાગામ વિસ્તારમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ભગાવી લઈ ગઈ હોવાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હોવાના મામલે વિદ્યાર્થીના પરિવારના સભ્યો દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી છે.
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર માનસી નાઈ નામની 23 વર્ષીય શિક્ષિકા અનુરાગ વિદ્યાલયમાં ફરજ બજાવતી હતી. શિક્ષિકા જે 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી હતી તે વિદ્યાર્થી શિક્ષિકા પાસે શાળા તેમજ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતો હતો.
વિદ્યાર્થી ભણવા ગયા બાદ ઘરે પરત ન આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષિકા માનસી નાઈને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ શિક્ષિકા ફોન ઉપાડતા ન હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીના પરિવારના સભ્યો શિક્ષિકાની ઘરે ગયા હતા પરંતુ ત્યાં પણ શિક્ષિકા મળી આવ્યા ન હતા. શરૂઆતમાં શિક્ષિકા માનસીનો ફોન ચાલુ આવ્યો હતો અને ત્યાર બાદ ફોન બંધ કરી દીધો હતો. વિદ્યાર્થીના પિતા અને પરિવારના અન્ય સભ્યો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સામે આવ્યું હતું કે શિક્ષિકા વિદ્યાર્થી સાથે એક દુકાન પર કોઈક વસ્તુ લઈ રહી હતી અને તેનું પેમેન્ટ રોકડમાં ચૂકવી રહી હતી. તો બીજી તરફ વિદ્યાર્થીનો કોઈ અતોપતો ન લાગ્યો હોવાના કારણે અને શિક્ષિકા ફોન ના ઉપાડતી હોવાના કારણે પરિવાર પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી પુણા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બાળક તેમજ શિક્ષિકાને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીના પિતા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે શિક્ષિકા તેના એક મિત્રની મદદથી વિદ્યાર્થીને લઈને કોઈ જગ્યા પર ગઈ છે. જોકે હાલ આ બાળક ગુમ થયું હોવાને લઈને પરિવાર ખૂબ જ ચિંતામાં છે. તો બીજી તરફ સૂત્ર પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે વિદ્યાર્થી અને શિક્ષિકા બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી મજબૂત સંબંધ ઊભા થયા હતા. તો બીજી તરફ અત્યાર સુધી શિક્ષિકા અથવા તો વિદ્યાર્થી ક્યાં છે તેનો કોઈ પણ માહિતી પોલીસને પણ મળી શકી નથી પરિવાર તેમજ શાળાના અન્ય સ્ટાફના નિવેદનો પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે.