Oman: ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં ક્રૂના 16 સભ્યો ગુમ, 13 ભારતીયો પણ સામેલ

World News: ઓમાનના દરિયાકાંઠે સોમવારે એક ઓઇલ ટેન્કર પલટી જવાથી 16 ક્રૂ મેમ્બર ગુમ થયા હતા. ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના લોકો સામેલ હતા. દેશના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટર (MSC)એ આ જાણકારી આપી. એમએસસીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કોમોરોસ ધ્વજવાળું તેલ ટેન્કર બંદરગાહ શહેર ડુકમ નજીક રાસ મદ્રાકાથી 25 નોટિકલ માઇલ દક્ષિણપૂર્વમાં પલટી ગયું હતું.

શિપની ઓળખ પ્રેસ્ટિજ ફાલ્કન તરીકે થઈ
ડુકમ બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે, ઓમાનના મુખ્ય તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સની નજીક સ્થિત છે. તેમાં એક મોટી ઓઇલ રિફાઇનરીનો પણ સમાવેશ થાય છે, જે ઓમાનનો સૌથી મોટો આર્થિક પ્રોજેક્ટ છે, અને ડુકુમના વિશાળ ઔદ્યોગિક ઝોનનો ભાગ છે. આ જહાજની ઓળખ પ્રેસ્ટિજ ફાલ્કન તરીકે કરવામાં આવી છે.

જહાજ યમન તરફ જઈ રહ્યું હતું
એમએસસીએ જણાવ્યું હતું કે, “જહાજના ક્રૂ હજુ પણ ગુમ છે. શોધ ચાલુ છે, શિપિંગ વેબસાઈટ મેરીટાઇમ ટ્રાફિક અનુસાર, ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર એડન તરફ જઈ રહ્યું હતું. ડેટા દર્શાવે છે કે જહાજ 2007માં બનાવવામાં આવ્યું હતું અને તે 117 મીટર લાંબુ છે”.