December 11, 2024

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે BJPએ કમર કસી, ગામેગામ જઈને પ્રચાર શરૂ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારનો રંગ હવે જામ્યો છે. તહેવારો પત્યાં બાદ નવા વર્ષની શરૂઆત સાથે બીજેપી હવે તેના પ્રચારમાં લાગી ગયું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સમાજના નેતાઓને પણ મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે મતદાનને આડે માત્ર 10 દિવસ બાકી છે.

બીજેપી ગામેગામ પ્રચારમાં લાગ્યું છે. બીજેપીના ઉમેદવાર અને બીજેપીના આગેવાનો ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. જો કે, દરેક ગામમાં ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત થાય છે અને મત આપવાની બાંહેધરી પણ અપાય છે. કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં સીધો મુકાબલો છે. ત્યારે અત્યારે તો ત્રણેય પક્ષો પ્રચારના કામમાં લાગી ગયા છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

2022ની વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે હાર્યા હતા અને ત્યારબાદ બીજેપીએ ફરીથી પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. અત્યારે વાવ વિધાનસભામાં ઠાકોરના મત મોટા પ્રમાણમાં છે. ત્યારે બીજેપીએ ઠાકોર સમાજના સ્વરૂપજીને ટિકિટ આપી અને ફરી એકવાર ઠાકોરકાર્ડનો ઉપયોગ કર્યો છે. જો કે, 2022માં ભાજપને કોંગ્રેસ બંનેમાં ઠાકોર ઉમેદવાર હતા એટલે જીત કોંગ્રેસને મળી હતી. પરંતુ અત્યારે જે પ્રકારે ભાજપના ઉમેદવારને ગામડાઓમાં આવકાર મળી રહ્યો છે, દરેક ગામડાઓમાં રણનીતિ સફળ થઈ રહી છે અને તેને જોતા પરિણામો હવે કઈ દિશામાં જશે તે 23 નવેમ્બરે નક્કી થશે.