November 4, 2024

બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષાને લઈ અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું…

America: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ લઘુમતી સમુદાયો સામે હિંસામાં વધારો થયો છે. ભારત શરૂઆતથી જ બાંગ્લાદેશમાં બદલાતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. હવે અમેરિકાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ થાય, ખાસ કરીને જ્યારે હિન્દુઓ દુર્ગા પૂજા જેવા મોટા તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

મીડિયાના પ્રશ્નોના જવાબમાં મિલરે કહ્યું, “લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું એ સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ છે.” ગયા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ બંને દેશોની તસવીરો અને પ્રતિક્રિયાઓ પરથી લાગે છે કે અમેરિકા અને બાંગ્લાદેશ પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે. લઘુમતીઓના અધિકારોને લઈને અમેરિકાની ચિંતા પણ આ કડીનો એક ભાગ માનવામાં આવે છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે
હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશના લઘુમતી સમુદાયને ધાર્મિક કટ્ટરપંથીઓના વધતા જતા ખતરાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ઓગસ્ટમાં દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી રહી છે. દેશમાં સરકાર વિરોધી દેખાવો બાદ અનેક સ્થળોએ ધાર્મિક હિંસા જોવા મળી હતી. અમેરિકાનું આ નિવેદન હિન્દુ ધર્મના મોટા તહેવાર દુર્ગા પૂજાને ધ્યાનમાં રાખીને આવ્યું છે.

સરકારના પતન પછી હિંસા
યુએનના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવ્યા બાદ ભડકેલી હિંસામાં લઘુમતીઓ સહિત 600થી વધુ લોકો માર્યા ગયા છે. દેશમાં આ સ્થિતિઓ દેશના સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહી છે, જેના કારણે અમેરિકા અને ભારત બંનેએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને પગલાં લેવા વિનંતી કરી છે.