કેદીઓને પણ સન્માન સાથે જીવવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘સન્માન સાથે જીવવાનો અધિકાર કેદીઓને પણ છે’ અને કેદીઓને તેનાથી વંચિત રાખવું સંસ્થાનવાદી અને પૂર્વ-વસાહતી વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે ગુરુવારે આપેલા ઐતિહાસિક ચુકાદામાં આ અવલોકન કર્યું હતું. ખંડપીઠે કેદીઓ પ્રત્યે જાતિ આધારિત ભેદભાવ જેમ કે મેન્યુઅલ લેબરનું વિભાજન, બેરેકનું વિભાજન વગેરે પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોર્ટે ઘણા રાજ્યોના જેલ મેન્યુઅલ નિયમોને ગણાવ્યા ગેરબંધારણીય
ખંડપીઠે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ સહિત 10 રાજ્યોના કેટલાક વાંધાજનક જેલ મેન્યુઅલ નિયમોને ગેરબંધારણીય ગણાવ્યા હતા. CJI એ 148 પાનાનો ચુકાદો લખતા, કલમ 14 (સમાનતા), 15 (ભેદભાવ પર પ્રતિબંધ), 17 (અસ્પૃશ્યતા નાબૂદી), 21 (જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા) અને 23 (બળજબરીપૂર્વક મજૂરી સામેનો અધિકાર) હેઠળ ચુકાદો આપ્યો. બંધારણમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કર્યો છે.
કેદીઓને આદર ન આપવું સંસ્થાનવાદી કાળની ઓળખ
પોતાના નિર્ણયમાં ખંડપીઠે કહ્યું કે, ‘કેદીઓને પણ સન્માન સાથે જીવવાનો અધિકાર છે. કેદીઓ માટે આદરનો અભાવ એ વસાહતી અને પૂર્વ-વસાહતી પ્રણાલીનો અવશેષ છે, જ્યાં દમનકારી પ્રણાલીઓ રાજ્યના નિયંત્રણ હેઠળના લોકોને અમાનવીય બનાવવા અને અધોગતિ કરવા માટે બનાવવામાં આવી હતી. બંધારણ પહેલાના યુગના સરમુખત્યારશાહી શાસનોએ જેલને ન માત્ર કેદીઓના જેલવાસના સ્થળ તરીકે જોતાં, પરંતુ પ્રભુત્વના સાધનો તરીકે પણ જોયા હતા. બંધારણ દ્વારા લાવવામાં આવેલા કાયદાકીય માળખાના આધારે, આ કોર્ટે સ્વીકાર્યું છે કે કેદીઓને પણ સન્માનનો અધિકાર છે.
ચુકાદામાં બંધારણની કલમ 15નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જાતિ, ધર્મ, ભાષા વગેરેના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે. ખંડપીઠે કહ્યું કે જો સરકાર જ નાગરિકો સાથે ભેદભાવ કરે છે તો તે સૌથી મોટો ભેદભાવ છે, કારણ કે સરકાર ભેદભાવ દૂર કરે તેવી અપેક્ષા છે.