December 6, 2024

સુરતના કાપોદ્રા મર્ડર કેસ મામલે પોલીસની કાર્યવાહી, બે આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર જ ન હોય તે પ્રકારે ચોરી લૂંટફાટ મારામારી જેવી ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રચના નજીક આવેલા વડવાળા સર્કલ પાસે થયેલી હથિયારની ઘટનાનો ભેદ સુરતની કાપોદ્રા પોલીસે ઉકેલો છે અને પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં વડવાળા સર્કલ નજીક 24 નવેમ્બર 2024ના રોજ પંકજ ઉર્ફે મામો અને હર્ષિત કનાડિયા નામના ઇસમોએ સાથે મળીને ઋષિ ઉર્ફે ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી. આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી ઔસુરાના માર્ગદર્શન હેઠળ PSI એમ.બી. વાઘેલાના સ્ટાફ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આરોપીને પકડવા માટે પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું તો બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડીતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષિત ઉર્ફે ટકો કનાડિયાની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ઋષિ પંડિત રીઢો ગુનેગાર છે અને અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ 17 જેટલા ગુનાઓ નોંધાય ચૂક્યા છે. ત્યારે બંને આરોપીઓએ સાથે મળીને અંગત અદાવતને લઇ ઋષિની સરા જાહેરમાં હત્યા કરી દીધી હતી.

પોલીસે આરોપીની પૂછપર જ કરતા સામે આવ્યું હતું કે, પંકજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદવિસ્તારના મુરઘા કેન્દ્રના નગરનો રહેવાસી છે અને સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરે છે. તો બીજી તરફ હર્ષિત ઉર્ફે ટકો કનાડિયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવેલ રચના સોસાયટીનો રહેવાસી છે અને રત્ન કલાકાર છે.