September 10, 2024

સરદાર સરોવર ડેમનું જળસ્તર 134.55 મીટરે પહોંચી, 15 દરવાજા ખોલાયા

નર્મદા: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સતત મેઘમહેર જોવા મળી રહી છે. જેને કારણે રાજ્યની લગભગ તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે. તો, ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીના ઉપરવાસમાં પણ થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં જળસ્તર સતત વધી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ઉપરવાસમાંથી 2,14091 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે હાલ સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.55 મીટરે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: ભાદર નદી પર 14 વર્ષમાં 5 વાર તૂટ્યો ‘ભ્રષ્ટાચાર’નો બ્રિજ, સ્થાનિકોમાં આક્રોશ

પાણીની ભરપૂર આવક થતાં સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 15 દરવાજા 2.25 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા ડેમમાંથી નર્મદા નદીમાં હાલ કુલ 2,13655 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાલ સરદાર સરોવર નર્મદા ડેમ 88 ટકા ભરેલો છે. આવનારા દિવસોમાં નર્મદાનું પાણી ગુજરાત માટે મળી રહેશે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાઓના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.