રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગનો મામલો, ફાયર NOC છેલ્લા 10 વર્ષથી રિન્યૂ કરી નહોતી

રાજકોટઃ શહેરના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં 3 નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ બિલ્ડિંગની ફાયર NOC વર્ષ 2015 બાદ રિન્યૂ કરવામાં આવી નથી. ત્યારે હાઇપ્રોફાઇલ લોકો રહેતા હોય તેવી બિલ્ડિંગમાં આવી લાલિયાવાડી કેવી રીતે ચલાવી શકાય. ઉલ્લેખનીય છે કે, આગની દુર્ઘટનામાં તમામ રહેવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પાર્સલ આપવા માટે આવેલા ત્રણ યુવાનો ભડકે બળ્યા હતા અને મોતને ભેટ્યા હતા.

આ મામલે ઇન્ચાર્જ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યુ છે કે, ‘સવારે 10.17 વાગ્યે ફાયર બ્રિગેડને પહેલો કોલ આવ્યો હતો. બિલ્ડિંગમાં ગ્લાસ તોડીને સ્મોક બહાર કાઢવામાં આવ્યો હતો. છેલ્લે વર્ષ 2013માં NOC ઇસ્યૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2014માં રિન્યૂ કરી હતી. પરંતુ વર્ષ 2015થી અત્યાર સુધીમાં ફાયર NOC રિન્યૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત બિલ્ડિંગમાં આવેલી રાઈઝર સિસ્ટમ કામ નહોતી કરતી. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા વર્ષ 2021 અને 2023માં NOC બાબતે નોટિસ આપી હતી. નોટીસ બાદ રેસિડેન્ટલ બિલ્ડિંગને સિલિંગ થઈ શકે પરંતુ કરવામાં આવ્યું નથી.’