February 9, 2025

કેન્દ્ર સરકારે Ola-Uberને ફટકારી નોટિસ, પૂછ્યું ‘iPhone અને Android પર ભાડા કેમ અલગ-અલગ?’

Cab Fare: ગ્રાહક બાબતોના વિભાગે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ના માધ્યમથી ગુરુવારે, કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબેરને અલગ અલગ કિંમતો અંગે નોટિસ જારી કરવામાં આવી હતી. અગાઉ ઘણા ગ્રાહકો દ્વારા આ કેબ એગ્રીગેટર્સ સામે ઉઠાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિવિધ મોબાઇલ (એન્ડ્રોઇડ અથવા આઇફોન) પર અલગ અલગ કિંમતોના દાવાઓ બાદ સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી.

સરકારે આ કેબ એગ્રીગેટર્સ પાસેથી આ સંદર્ભમાં જવાબો માંગ્યા
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “વિવિધ મોબાઇલ મોડેલો (આઇફોન/એન્ડ્રોઇડ)ના આધારે અલગ-અલગ કિંમતો અંગે અગાઉ કરવામાં આવેલી ટિપ્પણીને પગલે, ગ્રાહક બાબતોના વિભાગે, CCPAના માધ્યમથી કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબેરને નોટિસ ફટકારી છે, જેમાં તેમના જવાબો માંગવામાં આવ્યા છે.

ગયા મહિને જોશીની ચેતવણી બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે “ગ્રાહકોના શોષણ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રહેશે.” તેમણે CCPA ને આ આરોપોની સંપૂર્ણ તપાસ કરવા પણ કહ્યું. કેન્દ્રીય મંત્રીએ આ પ્રથાને “પ્રથમ દૃષ્ટિએ અન્યાયી વેપાર પ્રથા” અને ગ્રાહકોના પારદર્શિતાના અધિકારની “સ્પષ્ટ અવગણના” ગણાવી.