September 10, 2024

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં 21મુ મેડલ, ગોળા ફેંકમાં સચિન ખિલારીને સિલ્વર મેડલ

Paris Paralympics 2024: ભારતે બુધવારે મેડલનું ખાતું પુરુષોની F46 ગોળ ફેંક સ્પર્ધામાં મેડલ જીતીને ખોલ્યું. સચિન સર્જેરાવ ખિલારીએ 16.32 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીતી લીધો છે. સચિન માત્ર 0.06 મીટરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયા. સચિને બીજા પ્રયાસમાં જ 16.32 મીટર ફેંક્યો હતો. જો કે, તેઓ તેનાથી આગળ ગોળો ન ફેંકી શક્યા. કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે 16.38 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારતના મોહમ્મદ યાસર 8માં અને રોહિત કુમાર 9માં સ્થાને રહ્યા હતા.

ગોળા ફેંકની ફાઇનલમાં સચિનનો પ્રથમ પ્રયાસ 14.72 મીટર, બીજો પ્રયાસ 16.32 મીટર, ત્રીજો પ્રયાસ 16.15 મીટર, ચોથો પ્રયાસ 16.31 મીટર, પાંચમો પ્રયાસ 16.03 મીટર અને છઠ્ઠો અને છેલ્લો પ્રયાસ 15.95 મીટરનો હતો. તેણે 16.32 મીટરના થ્રો સાથે એરિયા રેકોર્ડ પણ બનાવ્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો આ 21મો મેડલ હતો. સચિને 2023 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની શોટ પુટ (ગોળા ફેંક) F46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેણે 16.21 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે મેડલ જીત્યો હતો. તેણે 2024 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેણે તે જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

યાસરનો શ્રેષ્ઠ પ્રયાસ 14.21 મીટરનો અને રોહિતનો શ્રેષ્ઠ પ્રયાસ 14.10 મીટરનો હતો. પેરા એથ્લેટિક્સ ઈવેન્ટ્સમાં F46 કેટેગરી એવા લોકો માટે છે જેમને એક અથવા બંને હાથની મુવમેન્ટ ઓછી થતી હોય અથવા હાથ-પગ જ ન હોય. આ એથ્લેટ્સે તેમના હિપ્સ અને પગની તાકાતથી ગોળો ફેંકવાનો હોય છે.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી સચિન ખિલારી સ્કૂલના દિવસોમાં અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેમણે કોણીના સ્નાયુઓ ગુમાવી દીધા હતા. અનેક સર્જરીઓ છતાં તેઓ ઠીક ન થઈ શક્યા. સચિન માટે આ સિદ્ધિ હાંસલ કરવું સરળ ન હતું. તેમણે ઘણા સંઘર્ષનો પણ સામનો કરવો પડ્યો છે.