February 9, 2025

જલગાંવ ટ્રેન દુર્ઘટના એક ચા વેચનારના કારણે થઈ, ડેપ્યુટી CM અજિત પવારનો મોટો ખુલાસો

Jalgaon Train Accident: મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે સાંજે એક મોટી ટ્રેન દુર્ઘટના બની. લખનઉથી મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો એટલા ડરી ગયા કે તેઓ ચાલતી ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કરી દીધું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર આવતી કર્ણાટક એક્સપ્રેસની ચપેટમાં આવી ગયા. આ ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ અકસ્માત અંગે મોટો ખુલાસો કર્યો છે.

નાયબ CMએ જણાવ્યું કે, જલગાંવ ટ્રેન અકસ્માત કેવી રીતે થયો
અજિત પવારે ગુરુવારે કહ્યું કે જલગાંવ ટ્રેન અકસ્માત પુષ્પક એક્સપ્રેસની અંદર એક ચા વેચનાર દ્વારા ટ્રેનમાં આગ લાગવાની “અફવા” ફેલાવવાનું પરિણામ હતું. આ અફવાને કારણે લોકો ગભરાઈ ગયા અને કેટલાક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા. આ અકસ્માત બુધવારે સાંજે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં થયો હતો. મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાં ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ, કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે.

‘ચા વેચનાર પેન્ટ્રીમાંથી બૂમ પાડી કે કોચમાં આગ લાગી ગઈ’
પવારે પુણેમાં પત્રકારોને જણાવ્યું, “પેન્ટ્રીમાંથી એક ચા વેચનારે બૂમ પાડી કે કોચમાં આગ લાગી ગઈ છે,” તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીના બે મુસાફરોએ અવાજ સાંભળ્યો અને ખોટી માહિતી અન્ય લોકોને આપી, જેના કારણે તેમના જનરલ ડબ્બામાં અને બાજુના કોચમાં બેઠેલા લોકોમાં ગભરાટ ફેલાયો. પવારે જણાવ્યું હતું કે કેટલાક ગભરાયેલા મુસાફરોએ પોતાને બચાવવા માટે ટ્રેનના બંને બાજુના દરવાજા પરથી કૂદી પડ્યા હતા. ટ્રેન ખૂબ જ ઝડપે ચાલી રહી હતી ત્યારે એક મુસાફરે ઇમરજન્સી ચેઇન ખેંચી. તેમણે કહ્યું, “ટ્રેન રોકાયા પછી, લોકો નીચે ઉતરવા લાગ્યા અને નજીકના ટ્રેક પરથી પસાર થતી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેનમાં કચડાઇ ગયા.

અફવા ફેલાવનારા 2 મુસાફરો પણ ઘાયલ થયા
પવારે જણાવ્યું હતું કે ટક્કર એટલી ગંભીર હતી કે ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યા અને તેમના શરીરના ભાગો અલગ-અલગ થઈ ગયા. વધૂમાં કહ્યું, “આ અકસ્માત આગની અફવાનું પરિણામ હતું.” તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા 13 લોકોમાંથી 10 લોકોની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં અફવા ફેલાવનારા બે મુસાફરો પણ ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના પ્રભારી મંત્રી અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને થોડા સમય પછી બંને દિશામાં ટ્રેન અવરજવર ફરી શરૂ થઈ હતી.