October 5, 2024

દશેરાના દિવસે વાહન લેવાનું નક્કી હોય તો આ ટિપ્સ કામ આવશે

Bike Buying Tips During Festival: તહેવારના દિવસો નજીક આવતા ઘણા એવા લોકો હોય છે જે આ તહેવારને યાદગાર બનાવવા માટે કોઈ મોટી વસ્તુની ખરીદી કરે છે. ખાસ કરીને દશેરાના પર્વ પર કોઈ વાહન લેવાનો સમગ્ર દેશમાં ટ્રેન્ડ છે. જોકે, આને ટ્રેન્ડ કહેવા કરતા શુભ માનવામાં આવે છે. આ તહેવારના પર્વ પર અનેક એવા ડીલર્સ પોતાની રીતે કેટલીક ઓફર્સ પણ આપતા હોય છે. આવી ઓફર્સમાં ઘણીવાર ફ્રોડ કરતા નક્કામા ગઠિયા પણ ફાવી જાય છે. આવા લોકોથી એલર્ટ રહેવું જોઈએ. કેટલીક એવી ટિપ્સ અહીં આપવામાં આવી છે જે કોઈ પણ વાહન ખરીદતી વખતે કામ આવી શકે છે.

જાણી લો આ મહત્ત્વની વિગત
બાઇકની મેન્યુફેક્ચરિંગ ડેટ શું છે એટલે કે બાઇક ક્યારે બની હતી તે જાણવું ખૂબ જ જરૂરી છે. તહેવારોની સિઝન દરમિયાન, ઘણા શોરૂમ તેમના સ્ટોકમાંથી જૂની બાઇક અને સ્કૂટરનો સ્ટોક ખાલી કરવા માટે પ્લાનિંગ કરતા હોય છે. આવી બાઇક એવા ગ્રાહકોને વેચવામાં આવે છે જે શોરૂમના સ્ટોકયાર્ડમાં 2-3 વર્ષથી હોય છે. આવા વાહનોમાં થોડા જ સમયમાં કાટ અને પાર્ટ્સ ફેલ થવાની સમસ્યા દેખાવા લાગે છે. બાઇક ખરીદતી વખતે, ચોક્કસપણે તપાસો કે તેની ઉત્પાદન તારીખ શું છે અથવા તમે જે વર્ષમાં બાઇક ખરીદી રહ્યા છો તે જ વર્ષમાં બાઇકનું ઉત્પાદન થયું છે કે નહીં.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

પ્રિબુકિંગ હોય તો આટલું ધ્યાન રાખો
ઘણા ડીલર્સ વાહન ખરીદતા પહેલા આખી ઓફરને સમજાવે છે. બુકિંગ વખતે કેટલું ડિસ્કાઉન્ટ પણ આપે છે. પછીથી કેટલાક ચાર્જ ભરવા પડે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. આવું ન થાય એ માટે સ્પષ્ટ કરી લો કે, જે રકમનું ડિસ્કાઉન્ટ મળ્યું છે એ પછી કોઈ છુપા ચાર્જ તો નથી ને?? ધ્યાનમાં રાખો કે તમે જે સમયે બાઇક બુક કરી છે તે સમયની કિંમત ડિલિવરી સમયે બુકિંગ કરતાં વધુ ન હોવી જોઈએ. ગ્રાહક ભાવિ ભાવની વધઘટથી સુરક્ષિત રહે તે માટે પ્રી-બુકિંગ કરવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં કોઈ પ્રાઈસ ડ્રોપ આવવાનો હોય તો પણ પૂછી શકો છો.

બ્રેકઅપ લિસ્ટ
પ્રાઈસ બ્રેકઅપ લિસ્ટ પરથી જ ખ્યાલ આવે છે કે, બાઈકની શૉ રૂમ કિંમત કેટલી છે. RTO અને ટેક્સ સિવાય બીજા ક્યા ચાર્જ ભરવાના થાય છે. આના પરથી બાઈક કે વાહન કુલ કેટલામાં પડ્યું એનો ખ્યાલ આવે છે. કિંમત ક્યા સેગમેન્ટમાં આપવાની થાય છે એનો પણ ખ્યાલ આવે છે.

શૉરૂમ પ્રાઈસ
એક જ જગ્યાએથી વાહન લેવાના બદલે બીજા શૉરૂમમાં એકવખત પ્રાઈસ ચેક કરીને ડિલ ફાઈનલ કરવી જોઈએ. ઘણી વખત ઓફર્સ અને છૂટ પાછળ કેટલાક ચાર્જ લાગુ પડે એવું પણ બને છે. ઘણી વખત ઈએમઆઈની રકમ નક્કી કરીએ ત્યારે પણ કેટલીક ચોખવટ જરૂરી હોય છે. એડવાન્સ કેટલા ભરી શકાય અને પછી કેટલા ઈએમઆઈ લઈ શકાય એ અંગે સ્પષ્ટતા હોય તો ખોટા ખર્ચથી બચી શકાય છે. એક કરતા વધારે શૉ રૂમમાં વાહનની કિંમત તપાસવાથી ફાયદો એ થાય છે કે, કિંમતની તુલના કરી શકાય છે.

ટેસ્ટ ડ્રાઈવ
બાઇક કેવી રીતે ચાલી રહી છે તે તમે ત્યારે જ જાણી શકશો જ્યારે તેને ચાલતા જોશો. જે પણ બાઇક મોડલ પસંદ કરો છો, તમારે તેની કિંમત ચૂકવતા પહેલા ટેસ્ટ રાઇડ લેવી જોઈએ. 3-5 કિલોમીટર માટે બાઇકની ટેસ્ટ રાઇડ લો. આ બાઈકનું એન્જિન, ક્લચ અને ગિયરબોક્સ કેવી રીતે કામ કરી રહ્યું છે તે બતાવશે.