ભારત સરકાર દ્વારા CISFના 75 જવાનોની 6553 કિલોમીટર લાંબી સાયક્લોથોન, 1લી એપ્રિલે કન્યાકુમારી પહોંચશે

ભાવનગરઃ ભારત સરકાર દ્વારા CISFના 75 જવાનો દ્વારા ભારતની દરિયાઈ પટ્ટીની સુરક્ષાને લઈને 6553 કિલોમીટરની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોનનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છના લખપત ગામેથી 7મી માર્ચે આ સાયક્લોથોનને અમિત શાહે રવાના કરી હતી. તે મુન્દ્રા, દ્વારકા, પોરબંદર, સોમનાથ, દીવ થઈને આજે ભાવનગર પહોંચી હતી. આ સાયક્લોથોનમાં 75 સાયકલિસ્ટ છે. જેમાં 4 મહિલા જવાન સામેલ છે. સાયકલ રેલી ઈન્ચાર્જ અને ડેપ્યુટી કમાન્ડન્ટ વી.એસ. પ્રતિહારે જણાવ્યું કે, આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્ર તટ પાસે રહેલા ગામલોકોને સમુદ્રના રસ્તે થતાં અપરાધોથી અવગત કરવા. જેમ કે, ડ્રગ્સ, સમગ્લિંગ અને આતંકવાદી ગતિવિધિઓ અને તેના માટેના ઉપાયો સમજવા.

આ સાયકલ રેલી ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કરેલ થઈને 1 એપ્રિલે તમિલનાડુના કન્યાકુમારી પહોંચશે. ભારતના પશ્ચિમી વિસ્તારમાં જે રીતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ભારતના પૂર્વ ભાગના પશ્ચિમ બંગાળથી સાયક્લોથોન નીકળી 1 એપ્રિલે કન્યાકુમારી પહોંચશે. જેથી ભારતના સમુદ્રી કિનારે વસતા લોકોને દેશ વિરોધી ગતવિધિઓથી અવગત કરાવી તેના ઉપાયો સમજાવી સમુદ્ર તટને સુરક્ષિત રાખી શકાય.

ભાવનગરમાં એસ.પી. કચેરીએ સાયકલિસ્ટોનું તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અભિવાદન કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબને બાંભણિયા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ, ડી.વાય.એસ.પી આર.આર. સિંઘલ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા પણ CISF જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી નીમુબેન તેમજ ધારાસભ્ય જીતુભાઈ દ્વારા ફ્લેગ ઓફ કરી સાયકલોથોનને આગળ રવાના કરી હતી.