October 5, 2024

SITએ રોકી ‘તિરુપતિ લાડુ પ્રસાદ’માં ભેળસેળની તપાસ, આંધ્રપ્રદેશના DGPએ આપ્યું કારણ

Tirupati Laddu Case: આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT)એ તિરુપતિ લાડુમાં પશુ ચરબીની કથિત ભેળસેળની તપાસને અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. આંધ્ર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) દ્વારકા તિરુમાલા રાવે મંગળવારે આ માહિતી આપતા રહ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી તપાસ અટકાવી દેવામાં આવી છે.

રાવે કહ્યું કે છેલ્લા બે દિવસમાં SITએ ખરીદી અને નમૂના લેવાની પ્રક્રિયાની તપાસ કરી છે અને લાડુમાં ભેળસેળ કેવી રીતે શક્ય છે તે સમજવાનો પ્રયાસ કર્યો છે. ડીજીપીએ પત્રકારોને કહ્યું, “સૌથી પહેલા તેઓએ (એસઆઈટી) પ્રક્રિયાને સમજવી પડશે, તેનો અભ્યાસ કરવો પડશે અને તમામ માહિતી એકત્રિત કરવી પડશે, પરંતુ તે દરમિયાન સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ આવ્યો અને તે મુજબ અમે તપાસ અટકાવી દીધી છે.”

તેમણે કહ્યું કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તેના પર વધુ વાત કરવી યોગ્ય નથી. આ મામલાની આગામી સુનાવણી 3 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થશે. સર્વોચ્ચ અદાલત તિરુપતિ લાડુ બનાવવામાં પશુ ચરબીના ઉપયોગના આરોપોની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગણી સહિત અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

અગાઉ, આંધ્રપ્રદેશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કહ્યું હતું કે તે અગાઉની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP) સરકાર દરમિયાન પ્રખ્યાત તિરુપતિ લાડુ (પવિત્ર મીઠાઈ) બનાવવામાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગની સંપૂર્ણ તપાસ કરશે. એસઆઈટીના વડા શ્રેષ્ઠ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ટીમ તમિલનાડુ સ્થિત એઆર ડેરીની તપાસ કરશે, જેણે કથિત રીતે ભેળસેળયુક્ત ઘી સપ્લાય કર્યું હતું.