અંબાજીમાં મા અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણીની તૈયારી પૂરજોશમાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 32મા વર્ષે આદ્યશક્તિ મા અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમગ્ર અંબાજી નગરજનો સહિત વિશ્વભરના માતાજીના ભક્તોના સહયોગથી પરંપરાગત પોષી પૂનમનો ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે. અંબાજી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુ યાત્રાધામ અંબાજી ખાતે મહોત્સવમાં જોડાય છે.
તારીખ 13 જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની “અખંડ જ્યોત”માંથી જ્યોતનો અંશ લાવવામાં આવશે. ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવે છે. માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિતે અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે “મહાઆરતી” કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ અંબાજી નગરની નગરયાત્રાએ નીકળશે. પોષી પૂનમની શોભાયાત્રા દરમ્યાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને અપાશે.
રથ ધજા પતાકાઓ સાથે હાથી, ઘોડા, ઊંટ અને બેન્ડવાજા શરણાઈઓના સંગીત સાથે વાજતેગાજતે ધામધૂમપૂર્વક શોભાયાત્રાનો પ્રારંભ થશે. રંગોળી, ફુલો વરસાવતી તોપ, આદિવાસી નૃત્યો સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઝાંખીઓની કતાર સાથે સમગ્ર યાત્રા અદભુત અને અલૌકિક ભવ્ય શોભાયાત્રા નીકળશે. ચારે તરફ મા અંબેની જયજયકાર ગૂંજતી રહે છે. ગજરાજ પર અસવાર ગામની દેવી મા અંબેના દર્શનથી ભક્તો ગદગદ થઈ રહે છે. 35 કરતાં વધુ ઝાંખીઓ સાથે નગરમાર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરતા સ્વર્ણિમ શિખર પર ધજાજીની આરોહણ કરવામાં આવશે. દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં 101 કુંડી યજ્ઞ યોજાશે અને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવશે અને સાથે સાત આ પૂનમને સાગમરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. ત્યારે માતાજીને સાગનો શણગાર એટલે કે અન્નકૂટ પણ કરવામાં આવશે.
અંબાજી પોલીસ દ્વારા માતાજીના પ્રાગટ્ય દિવસે શોભાયાત્રામાં સામેલ થનારા શ્રદ્ધાળુ અને ગામજનો માટે સંદેશ આપ્યો છે કે, શોભાયાત્રામાં સામેલ થનારા તમામ માતાજીના ભક્તોએ કિંમતી સામાન અને ઘરેણા શોભાયાત્રામાં લાવવા નહીં, શોભાયાત્રામાં ગામજનો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસની સી ટીમ અને લોકલ પોલીસના જવાનો સુરક્ષા અને સલામતી માટે ખડેપગે રહેશે.
પોષી પૂનમની સંધ્યા સમયે ઘરઆંગણે અને રોજગારના સ્થળે એક દિપક પ્રજ્વલિત કરી મા અંબેના પ્રાગટય દિનની ઉજવણી કરવા આપ સહુભાવિક ભક્તોને શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની પ્રાર્થના છે.